News of Friday, 5th December 2025
ઍર-શો બનશે વધુ રોમાંચકઃ જવાનોનું સ્કાય ડાઇવીંગ
કાલથી બે દિ' અટલ સરોવર વિસ્તારમાં ગગનમાં ઐતિહાસિક ક્ષણો સર્જાશે : લોકો માટે એર-શો અને શસ્ત્ર પ્રદર્શનનું આયોજન સંપૂર્ણપણે વિનામુલ્યેઃ તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ : ઓપરેશન સિંદુર તથા એરફોર્સના શસ્ત્રો- સાધનોનું અટલ સરોવર પાર્કિંગમાં સ્ટેટીક ડિસ્પ્લે : આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઈવ પ્રદર્શનઃ ઉડતા એરક્રાફ્ટમાંથી જાંબાઝ જવાનો આશરે ૮૦૦૦ ફૂટની ઊંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં લગાવશે દિલધડક જમ્પ

રાજકોટ તા.પઃ મહાનગરપાલિકાને ગૌરવ છે કે શહેર ટૂંક સમયમાં દેશના સૌથી રોમાંચક અને યાદગાર કાર્યક્રમોમાંથી એકનું યજમાન બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકો પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા,૦૭ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત 'સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ, શસ્ત્ર પ્રદર્શન અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઈવ પ્રદર્શન' યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.૦૬ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે.
આવતીકાલ તા.૦૬ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરી સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ઘ્-૨૯૫ એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે. ત્યારબાદ આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર MI- 17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને ત્યારબાદ આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો થશે.
આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે.
સુવ્યવસ્થિત અને અદભુત એર શો
ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ Suryakiran Aerobatic Team આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનો પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સપીડ પાસેસ એ કાર્યક્રમની મોટાં આકર્ષણોમાં રહેશે.
આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઈવ પ્રદર્શન
રાજકોટ શહેર માટે એક વધુ ગૌરવનો ક્ષણ ઉમેરાતો તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ રાજકોટમાં પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન સાથે હાજર રહેવાની છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન અટલ સરોવર આસપાસના વિશાળ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં અનેકવાર પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે ઓળખાય છે. ટીમના પેરાટ્રૂપર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરે છે. કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થશે. ત્યારબાદ જમીન પર લેન્ડિંગ કરી ચુકેલા પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટરની મદદથી એર લીફ્ટ કરવામાં આવશે.
૧૭ થી ૨૦ મોટી સ્ક્રીન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં ભવ્ય અને મોટી સ્ક્રીન મુકવામાં આવશે. જેમાં સૂર્યકિરણ એર-શો અને એર ફોર્સ બેન્ડ લાઈવ નિહાળી શકશે તેમજ સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો ઉભા રહીને અને ભારતીય બેઠક કરીને સમગ્ર પર્ફોમન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકશે.
૩૦ થી વધુ સાઉન્ડ ટાવર
શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઉભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઈવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે.
શનિવાર અને રવિવાર એમ, બે દિવસનું એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે
તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ અટલ સરોવરના ર્પાકિંગ પ્લોટમાં બપોરના ૧૨ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેમાં એરફોર્સના સાધનો અને શસ્ત્રો નિહાળી શકાશે.
નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા, દેશભકિતને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવા અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવા અંગેનો આ ઐતિહાસિક ઇવેન્ટનો હેતુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે આ અનોખા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આકાશથી ધરતી સુધી વ્યાપતું આ ગૌરવમય પ્રદર્શન માણવા વિનંતી કરે છે. આવો, દેશના શૂરવીરોને સલામ કરવા અને રાજકોટના વિકાસ ગાથામાં એક યાદગાર અધ્યાય ઉમેરવા માટે આપ સૌ જોડાઓ.
ભવ્ય સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ, પ્રદર્શન અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ રાજકોટને દેશના નકશા પર નવી ઓળખ આપશે. આ કાર્યક્રમ નાગરિકો માટે માત્ર મનોરંજન જ નહિ, પરંતુ દેશદાઝ જગાવતું રાષ્ટ્રપ્રેમનું અનોખું, જીવંત અને ભાવનાત્મક આયોજન સાબિત થશે
વ્યુ પોઈન્ટ અને વાહન પાર્કિંંગની વ્યવસ્થા
અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ-૭ (A to G) વ્યુ પોઈન્ટ અને કુલ-૮ ર્પાકિંગ પ્લોટ (ર્પાકિંગ B, C અને D રીઝર્વ ર્પાકિંગ તેમજ ર્પાકિંગ A, E, F, G, H જનરલ ર્પાકિંગ) નક્કી કરવામાં આવેલ છે. જેનો નકશો ઉપર દર્શાવેલ છે.
સ્માર્ટ સીટી એરિયામાં કયાંથી પ્રવેશ
સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગોઃ કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ.
ભારતીય વાયુસેનાની 'ગરૂડ સ્પેશિયલ ફોર્સ' શું છે?
રાજકોટ : ૨૦૦૪ માં તેનું ગઠન થયું. તેનું નામકરણ ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના મહત્વપૂર્ણ પક્ષી ગરુડથી પ્રેરિત છે. છે. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઈ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન માટે કામ કરે છે. આ ઉપરાંત કુદરતી આપત્તિમાં રાહત અને બચાવ કાર્યોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરુડ ફોર્સનું સૂત્ર ''પ્રહાર સે સુરક્ષા'' છે.
મુખ્ય આકર્ષણો
* ભવ્ય સૂર્યકિરણ એર-શોમાં અટલ સરોવરના આસપાસના આકાશમાં વાયુ સેના દ્વારા રોમાંચક પરફોર્મન્સ અને એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ.
* શનિવાર અને રવિવાર એમ, બે દિવસ સુધી અટલ સરોવરના ર્પાકિંગ પ્લોટમાં એર ફોર્સના શસ્ત્રો અને સાધનોનું સ્ટેટિક ડિસ્પ્લે
* સ્માર્ટ સીટી એરિયામાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ મોટી સ્ક્રીન પર સમગ્ર કાર્યક્રમ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
* જુદા-જુદા સ્થળોએ ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર મુકવામાં આવશે.
* અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ-૭ (A to G) વ્યુ પોઈન્ટ અને કુલ-૮ ર્પાકિંગ પ્લોટ (A to H)
* સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગોઃ કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ
* ઇમરજન્સી અને જાહેર સલામતી માટે BRTS ના રસ્તા ખાલી રાખવા લોકોને અપીલ.
(4:11 PM IST)










