<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

વેરા વિભાગની લાલ આંખ ૧ લાખથી વધુ મિલ્‍કત ધારકોને જપ્‍તી નોટીસ

વાર્ષિક લક્ષ્યાંક ૪૫૪ કરોડ પૂર્ણ કરવા વેરો મિલ્‍કત બાકીદારોને ઘરે જઇ રૂબરૂ બજવણી કરી કડક સૂચના અપાઇ

 

 રાજકોટ તા.૨૬: મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.૪૫૪ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી દારો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૧ લાખથી વધુ જૂના બાકી દારોને નોટિસ આપવાનુ પ્રારંભ કરી અત્‍યાર સુધીમાં ૫૦ હજારથી વધુ રકમ બાકી હોય તેવા ૧૧૧૭૧ ને રૂબરૂ નોટીસ આપી સમય મર્યાદામાં વેરો ભરપાઇ કરવાની સૂચના આપી છે. જે પૈકી ૬૬૫ બાકી દારોને મિલકત જપ્તી અંગે નોટીસ ફટકારવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષના પ્રારંભે વળતર યોજના અતર્ગત બે લાખથી વધુ પ્રમાણિક કરદાઓ પાસેથી વેરા વસુલાત કરી છે. ત્‍યાર બાદ બાકી રહી ગયેલા ૩૦ હજારથી વધુ કરદાતાઓએ વેરો ભરપાઇ કરતા મનપાની આજ સુધીની આવક રૂા.૩૦૦ કરોડને પાર થઇ ગઇ છે. મનપાની હદમાં આવતી અંદાજે ૫.૩૦ લાખ મિલકતો પૈકી અડધોઅડધ મિલકત ધારકોનો વેરો બાકી હોય વેરા વિભાગે પોસ્‍ટ મારફતે બિલ-કમ-ડિમાન્‍ડ નોટીસ પાઠવ્‍યા બાદ હવે મિલકત જપ્તી તેમજ સીલીંગ સહિતની કામગીરી હાથ ધરવા બાકી દારોનુ લીસ્‍ટ તૈયાર કરી તમામને ઘરે જઇને નોટીસની બજવણી કરવામાં આવી છે.

ત્રણેયઝોનના ૧૮ વોર્ડમાં આવેલ કોમર્શિયલ અને રહેણાંકની મિલકતો કે, જેમનો રૂા.૫૦ હજારથી વધુ વેરો બાકી હોય તેવા ૧૧૧૭૧ મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. તેવી જ રીતે અગાઉ ડિમાન્‍ડ નોટીસ અપાઇ ચૂકી હોય અને આજસુધી વેરો ભરપાઇ ન કર્યો હોય તેવા ૬૬૫ મિલકત ધારકોને જપ્તીની નોટીસ આપવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ વિસ્‍તારમાં આવેલ કોમર્શિયલ સહિતની ૨૦૭ મિલકતો સીલ કરવામાં આવી છે. જે પૈકી અમૂક મિલકત ધારકોએ રકમ ભરપાઇ કરતા ૪૦થી વધુ મિલકતોના સીલ ખોલવામાં આવ્‍યા હોવાનુ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાના વેરા વિભાગને ચાલુ વર્ષના બજેટમાં વેરાની આવકમાં રૂા.૪૫૪ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે. જેમાં આજ સુધી મનપાની આવક ૩૦૦ કરોડને પાર થઇ ચૂકી છે. છતા ૧૫૪ કરોડ ભેગા કરવા હવે વેરા વિભાગે કમર કસી બાકી દારો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા નોટીસની બજવણી શરૂ કરી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જાન્‍યુઆરી માસથી સીલીંગ તેમજ જપ્તી સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. જે માર્ચના અંત સુધી ચાલુ રહશે. કુલ ૧૧૧૭૧  મિલ્‍કત ધારકોને ે નોટીસ ફટકારાઇ છે. જેમાં સૌથી વધુ કોમર્શિયલ મિલકતો હોવાનુ જાણવા મળેલ છે. તેમજ ૨૦ હજારથી વધુ મિલકતોમાં કોર્ટે કેસ અથવા ભાડા સંબંધીત કાર્યવાહી ચાલુ હોવાથી આ વર્ષે પણ આ પ્રકારની મિલકતોનો વેરો ગૂમાવવો પડે તેવુ લાગી રહ્યું છે. (૩.૧૬)

(3:13 PM IST)