તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 25th November 2025
૧૦૦ કલાકની કામગીરીઃ પોલીસ ચોપડે ચડી ચુકેલા શહેરના ૫૨૯ શખ્સોના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા
ડીજીપીના આદેશ અંતર્ગત શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનમાં ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં શહેરની તમામ પોલીસની કાર્યવાહી : નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્સ એકટ, એક્સપ્લોઝિવ એક્ટ, ટાડા સહિતના ગુનાઓમાં સામેલ શખ્સો અંગે તપાસ કરી ડોઝિયર તૈયાર કરવામાં આવ્યાઃ ડીસીપી જગદીશ બાંગરવા

રાજકોટતા. ૧૮: રાજકોટ તા. ૨૫: રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ ૧૦૦ કલાકમાં છેલ્લા ૩૦ વર્ષમાં ગંભીર ગુનાને અંજામ આપી ચુકેલા આરોપીઓનું ચેકિંગ કરી રિપોર્ટ આપવા (ડોઝીયર ભરવા) સુચના આપી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા ૧૦૦ કલાકની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં ૫૨૯ આરોપીઓની કુંડળી ચેક કરવામાં આવી છે. જે પૈકી ૧૦૬ના મોત થયા છે, ૫૨ (બાવન) આરોપી જેલહવાલે થયેલા છે અને અન્યોની શોધખોળ થઇ રહી છે. નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્સ એકટ, એક્સપલોઝીવ, ટાડા સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સોના આશ્રય સ્થાને પોલીસ પહોંચી હતી અને રિપોર્ટ તૈયાર કર્યા હતાં.
જાણવા મળ્યા મુજબ થોડા સમય પહેલા નવી દિલ્લીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરની તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઈ છે અને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી હતી અને ૩૦ વર્ષમાં ગુના આચરનાર રાષ્ટ્ર વિરોધી તત્વોની કરમ કુંડળી ૧૦૦ કલાકમાં તૈયાર કરવાનો આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ પોલીસને આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને શહેર પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોઘી ગુના આચરનાર ૧૩૫૭ થી વધુ તત્વોની કરમ કુંડળી તૈયાર કરવા ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં ૫૨૯ આરોપીની વિગતો મળી હતી. જો કે આ પૈકીના ૧૦૬ આરોપીના મોત થયાં છે. જ્યારે ૫૨ આરોપી જેલમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્યની આરોપીની તપાસ યથાવત રાખવામાં આવી છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કહ્યું કે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સથી છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવળત્તિ કરનારા તત્વોની યાદી તૈયાર કરી ડોઝિયર ભરવાની સૂચના આપી હતી.ગત આઠમી નવેમ્બરના ગુજરાત એટીએસ દ્વારા ત્રણ રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યાં હતાં. જે બાદ ફરીદાબાદમાં પણ પોલીસે ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરી હતી. દરમિયાન બીજા જ દિવસે આતંકવાદી દ્વારા દિલ્લીમાં કાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જે ગંભીર પ્રકારના કુંડળી કાઢી ડોઝિયર ભરી તેની હાલની પ્રવૃતિ શું છે? તે સહિતની હિલચાલ પર નજર રાખવા સુચના આપી હતી.
ડિજીપી વિકાસ સહાયતની સુચના બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં શહેરની તમામ પોલીસને છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવળત્તિ કરનાર શખ્સોના ઘરે પહોંચી તપાસ શરૂ કરાઇ હતી. ૧૦૦ કલાકના અંતે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે જે શખ્સો નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્સ એકટ સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની તપાસ કરી હતી અને રિપોર્ટ ભરવામાં આવ્યા હતાં.
છેલ્લા ૩૦ વર્ષમાં ગુના આચરનારા શખ્સનું હાલનું સરનામું, તેમનો પરીવાર, કામ ધંધો, અન્ય આવકનાસ્ત્રોત, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતના મુદાની સઘન તપાસ કરી ડોઝિયર ભરવામાં આવ્યા છે. તે અંતર્ગત રાજકોટ શહેરમાં ૫૨૯ આરોપીની વિગતો મળી આવી હતી. જેમાંથી ૧૦૬ હયાત નથી. બાકીના બાવન જેલમાં છે. અન્યોની શોધખોળ યથાવત છે. અગાઉ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હોય તેવા શખ્સો પર પોલીસ નજર રાખશે. (૧૪.૮)
શહેર એસઓજીએ ડીજીપીના ‘મેન્ટર પ્રોજેક્ટ' હેઠળ ૯ મહિનામાં માદક પદાર્થના ૧૫ કેસ કર્યા
પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમો દ્વારા કાર્યવાહીઃ છ શખ્સો વિરૂધ્ધ બેથી માંડી ત્રણ ગુના નોંધાયા હતાં
૪રાજકોટઃ રાજ્યમાં માદક પદાર્થની હેરાફેરી કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની સુચના હોઇ અને ડીજીપીશ્રીનો મેન્ટર પ્રોજેક્ટ અમલમાં હોઇ આ પ્રોજેક્ટ અંતર્ગત શહેર એસઓજી દ્વારા જાન્યુઆરીથી લઇ આજ સુધીના સમયગાળામાં માદક પદાર્થના ૬ કેસ કરવામાં આવ્યા છે. જેમાં રૂખડીયાપરામાં રહેતાં અફઝલ આલુશા ઉર્ફ કાલુશા ફકીરને ૨૪૩૯૦ના તથા ૬૦૧૮૦ના ગાંજા સાથે પકડી પ્ર.નગર અને બી-ડિવીઝનમાં બે કેસ દાખલ કરાયા હતાં.
આજીડેમ ચોકડી ભીમરાવનગરના હિતેષ ઉર્ફ બંટી સવજીભાઇ બાબરીયાને પણ ૧૭૮૬૦ અને ૫૦૮ના ગાંજા તથા ૪૩ રૂપિયાના ગાંજા સાથે મળી આજીડેમ પોલીસમાં ત્રણ કેસ કરાયા હતાં. સદર બજાર હરીહર ચોકના દિલાવર ઉર્ફ દીલો સતારભાઇ લીંગડીયાને ગાંજાના ૩ કેસમાં અને ત્યારબાદ દેવપરા ઘનશ્યામનગરના રાહીલ અમીનભાઇ મીણાપરાને ગાંજના બે કેસમાં પકડી કુવાડવા, આજીડેમ પોલીસમાં, રૈયા રોડ શીવપરાના ઇરફાન ઉર્ફ રોમીયો હનીફભાઇ ચાનીયાને એમડીના બે કેસમાં પકડી કુવાડવા અને ગાંધીગ્રામ પોલીસમાં ગુના દાખલ કરાવાયા હતાં. આ ઉપરાંત મનહરપરાના આકાશ ઉર્ફ મરચો હરીભાઇ બાબરીાયને ગાંજાના બે અલગ અલગ કેસમાં પણી પ્ર.નગર, થોરાળામાં ગુના દાખલ કરાવાયા હતાં. આમ જાન્યુઆરીથી હાલના સમય સુધીમાં શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા અને તેમની ટીમોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરીમાં માદક પદાર્થના ૧૫ કેસ કરી ડીજીપીશ્રીના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. નોંધનીય છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો.
(2:43 PM IST)










