તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
બરોડાની આર.એમ.ડી. ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝના નોમીની અનિલ પટેલને પાંચ વર્ષની સજા
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થયેલ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડના કેસમાં રાજકોટ કોર્ટ દ્વારા આકરી સજાનો હુકમઃ ગુટકાનો કબજે લેવાયેલ પદાર્થમાં નિકોટીન હોવાનું ખુલતા ફરિયાદ કરાઇ હતીઃ એક આરોપીનું ચાલુ કેસ દરમ્યાન અવસાન થયેલઃ અનિલ પટેલ સામેનો કેસ પુરવાર થતા દંડ ફટકારી જેલ હવાલે કરાયાઃ રાજકોટ મ્યુનિ. કોર્ટના જજ કે. આર. ગાંગનાણીએ આપેલ ચૂકાદો

રાજકોટ, તા. ૧ર ફ રાજકોટની અદાલત દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ તળે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં બરોડા સ્થિત જાણીતી આર.એમ.ડી. ગુટકા- ઉત્પાદક ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લી. ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને પાંચ વર્ષની આકરી સજા તેમજ દંડ રાજકોટ મ્યુનીસીપલ કોર્ટ ફટકારેલ છે.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર એચ. જી. મોલીયા દ્વારા તા.૧૮/૦૩/૨૦૧૩ ના રોજ રાજકોટના ભાભા એજન્સી, દુકાન નં. ૫, ૬, ડી. એચ. ચેમ્બર્સ, ભારત પેટ્રોલપંપની બાજુમાં, કુવાડવા રોડ. રાજકોટમાં ખાદ્યચીજોના ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થ શંકાસ્પદ લાગતાં ફૂડ સેફટી ઓફીસર દ્વારા દુકાનમાં પડેલ ગુટકાનો નમુનો લેવામાં આવેલ હતો જે પળથકકરણમાં નિષ્ફળ નિવડતાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નમુનો ખાદ્ય પદાર્થ માટે અનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી.
સદરહું કેસ ચાલી જતાં નામ. મ્યુનીસીપલ કોર્ટ દ્વારા ગુન્હો સાબિત માની બરોડા સ્થિત જાણીતી ગુટકા ઉત્પાદક ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લી. ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ ની કલમ-૩(૧)(ઝેડ.ઝેડ) (૫)(૮) મુજબ ૨૭(૧) અને ૨૭(૨)(સી) અને કલમ ૨૮ના ભંગ બદલ કલમ-૫૯(૩) હેઠળ પાંચ વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ અને રૂ. ૩,૦૦,૦૦૦/ અંકે રૂ. ત્રણ લાખ પુરા દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલે. જૉ દંડ ભરવામાં નહીં આવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ તેમજ કલમ-૫૮ હેઠળ રૂ.૫૦,૦૦૦/- પચાસ હજાર પુરાનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને જો સદરહું દંડની રકમ ભરવામાં નહીં આવે તે વધુ બે માસની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ.
બરોડા સ્થિત સુપ્રસિધ્ધ ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ને પણ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડડ એકટ ૨૦૦૬ ની કલમ-૩(૧)(ઝેડ.ઝેડ) (૫) (૮), ૨૩(૧) અને ૨૩(૨)(સી) અને કલમ ૨૮ ના ભંગ બદલ કલમ-૫૯(૩) હેઠળ રૂ. ૩,૦૦,૦૦૦/- અંકે રૂ. ત્રણ લાખ પુરા દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ તેમજ કલમ-૫૮ હેઠળ રૂ.૫૦,૦૦૦/- પચાસ હજાર પુરાનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને જો દંડની રકમ ભરવામાં નહી આવે તો વધુ બે માસની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ. તેમજ જો ઉત્પાદક પેઢી દ્વારા દંડ ભરવામાં ન આવે તો તેની છ માસ અને બે માસની સજા ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની આરોપી નં. ૨ અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલે ભોગવવાનો હુકમ ફરમાવેલ.
વધુમાં ઉપરોકત દંડ ભરવામાં ન આવે તો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની કલમ - ૯૬ મુજબ દંડની રકમ રેવન્યુ રહે વસુલ કરવો અને ડીફોલ્ટરના કિસ્સામાં લાઈસન્સ રદ કરવાનો હુકમ ફરમાવેલ.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં અલગ અલગ સમયે ચેકિંગ કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર એચ.જી. મોલીયા દ્વારા તા. ૧૮/૦૩/૨૦૧૩ ના રોજ ભાભા એજન્સી, દુકાન નં. ૫, ૬, ડી. એચ. ચેમ્બર્સ, ભારત પેટ્રોલપંપની બાજુમાં, કુવાડવા રોડ, રાજકોટ ખાતે ચેકિંગ અર્થે ગયેલ તે સમય દરમિયાન મેસર્સ ભાભા એજન્સી ફૂડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ ક્રિષ્નાણી હાજર હોય અને તેઓની પુછપરછ કરતાં તેઓએ દુકાનની અંદર પાન મસાલા, ચોકલેટ, બિસ્કીટના વેચાણની સાથોસાથ એક થેલાની અંદર આર.એમ.ડી. ગુટકા લખેલા બોક્ષપેક જથ્થો મળી આવેલ હતો અને જે ગુટકાનો જથ્થો શંકાસ્પદ જણાતા તેમજ ગુજરાત રાજય સરકાર દ્વારા ગુટખાના સંગ્રહ, વેચાણ વિગેરે પર પ્રતિબંધ મુકેલ હોવા છતાં ભાભા એજન્સી દ્વારા તેઓએ વેચાણ અર્થે સંગ્રહ કરેલ હોય જેથી ફુડ સેફટી ઓફીસર દ્વારા ગુટકાનો નમુનો પળથ્થકરણ અર્થે જરૂરી કાર્યવાહી કરી બિઝનેસ ફુડ ઓપરેટર પાસેથી લેવામાં આવેલ હતો. ફુડ સેફટી ઓફીસર દ્વારા સંગ્રહ અર્થે જે ગુટકાને સ્ટોક રાખવામાં આવેલ હતો તે બરોડા જીલ્લા સ્થિત ધારીવાર ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ હોય તેવું ગુટકાની અંદર પ્રિન્ટ કરવામાં આવેલ હતું.
ફુડ સેફટી ઓફીસર દ્વારા જે ગેરકાયદેસર ગુટકાનો જથ્થો રાખવામાં આવેલ હતો તેનો નમુનો લઈ બરોડા સ્થિત સરકાર માન્ય ફુડ લેબોરેટરીમાં એનાલીસીસ માટે મોકલવામાં આવેલ હતો અને સદરહું પળથકકરણની અંદર વેચાણ અર્થે રાખેલ ગુટકાની અંદર નિકોટીન જણાઈ આવેલ હતું જે કાયદાથી પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં પણગુટકાની અંદર નિકોટીન વાપરવામાં આવેલ હોય તેવો ફૂડ એનાલીસ્ટ દ્વારા અભિપ્રાય આપવામાં આવેલ હતો અને જે કાયદાથી પ્રતિબંધિત હોય તેમજ તે સ્વાસ્થ્યને હાનિકારક હોય તેમ છતાં પણ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા પ્રતિબંધિત ગુટકાનું ઉત્પાદન કરી રાજકોટ સ્થિત ભાભા એજન્સી દ્વારા આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી વેચાણ કરતા હોય જેથી ફુડ સેફટી ઓફીસર એચ. જી. મોલીયા દ્વારા જરૂરી કાર્યવાહી કરી રાજકોટની મ્યુનીસીપલ કોર્પોરેશન વતી ફરીયાદી બની રાજકોટ મ્યુનીસીપલ અદાલતમાં મેસર્સ ભાભા એજન્સીના માલીક / ફુડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ ક્રિષ્નાણી તથા મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ઉત્પાદક પેઢીના નોમીની અનિલ મહેન્દ્રભાઈ પટેલ તથા ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.
ચાલુ કેસ દરમિયાન મેસર્સ ભાભા એજન્સીના માલીક ફુડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ ક્રિષ્નાણીનું અવસાન થતાં તેઓની સામેનો કેસ પૂર્ણ કરી બાકીના આરોપીઓ સામે કેસ આગળ ચલાવેલ હતો જે કેસ ચાલી જતાં કોર્ટ દ્વારા તારણ કાઢેલ કે મેસર્સ ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લી.ના ઉત્પાદક પેઢીના નોમીની અનિલ મહેન્દ્રભાઈ પટેલ તથા ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ગુજરાત સરકારશ્રી દ્વારા નોટીફીકેશન બહાર પાડી ગુટકાના ઉત્પાદન તેમજ તેના વેચાણ ઉપર પ્રતિબંધ મુકેલ હોય અને જેની જાણ મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. ને પણ હોય તેમ છતાં પણ તેને કાયદાની કલમ - ૨૮ મુજબ બજારમાંથી તમામ વણવેચાયેલ માલ રીકોલ કરી લેવો ફરજીયાત હોય તેમ છતાં પણ વેચાયેલ માલ બજારમાંથી રીકોલ કરેલ ન હતો અને જે માલ બજારમાં વેચાણ અર્થે મુકાયેલ હતો તે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના કાયદા મુજબ નિકોટીન વાપરવું પ્રતિબંધિત હોય તેમ છતાં પણ ઉત્પાદન કરેલ ગુટકાના માલની અંદર નિકોટીન ઉમેરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરેલ હોય જેના હિસાબે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ ની અલગ અલગ કલમોનો ભંગ કરેલ હોય જે અંગે મુળ ફરીયાદી દ્વારા અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તેમજ ગુજરાત રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ અલગ અલગ નોટીફીકેશનો રજુ કરવામાં આવેલ હતા જે ઘ્યાને રાખી રાજકોટની મ્યુનીસીપલ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી કે. આર. ગાંગનાણી દ્વારા જાણીતી ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. તથા ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને તકસીરવાન ઠરાવી ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને જેલ હવાલે કરેલ હતાં.
આ કામે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા. (૯.૧૩)
(11:01 AM IST)










