તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 4th November 2025
શ્રી બંગલો સોસાયટીના મેઇન રોડ ઉપર ૭ વર્ષથી ડામર નથી થયોઃ રહેવાસીઓની મેયરને રજુઆત
ઉપરાંત છેલ્લા અઠવાડીયાથી પાણી ડહોળુ અને ઓછુ આવતુ હોવાની પણ રાવઃ નયનાબેને લગત વિભાગને આપી સૂચના

ઉપરોકત તસ્વીરમાં કુવાડવા રોડ સ્થિત શ્રી બંગલો સોસાયટીના રહેવાસીઓ રસ્તા તથા પાણી મુદે મેયર નયનાબેનને રજુઆત કરતા દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા.૪: રાજકોટ સહિત ગુજરાત આખામાં તુટેલા રોડ-રસ્તાઓ શાસકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. એકશન પ્લાન ઉપર વરસાદે અડચણ ઉભી કરતા પરિસ્થિતિ જેૈસે થે જેવી છે. શહેરના કુવાડવા રોડ સ્થિત રહેણાંક વિસ્તાર શ્રી બંગલોમાં પણ છેલ્લા ૭ વર્ષથી ૪૦ ફુટના મેઇન રોડ ઉપર ડામર કામ તો પછી પેચ વર્ક પણ ન થયું હોવાથી સ્થાનીકો રોષ સાથે મેયર પાસે દોડી ગયા હતા.
રહેવાસીઓએ મેયર નયનાબેન પેઢડીયાને રજુઆતમાં જણાવેલ કે, અમે કુવાડવા રોડ, ડી માર્ટ પાછળ શ્રી બંગલો સોસાયટીમાં રહીએ છીએ. ૧૪૧ જેટલા પરિવારો જયાંથી અવર-જવર કરે છે તે સોસાયટીનો ૪૦ ફુટના મેઇન રોડ ઉપર છેલ્લા ૭ વર્ષથી ડામર કે પેચવર્ક પણ કરવામાં આવ્યું નથી.
સ્થાનીકોએ વધુમાં જણાવેલ કે, અનેકવાર વોર્ડ ઓફીસે ફરિયાદ કરી છે પણ કોઇ નિરાકરણ આવ્યું નથી અને એક અઠવાડીયાથી પાણીમાં પણ ધાંધીયા થઇ રહયા છે. પાણી ડહોળુ અને ઓછુ આવે છે. અમારી સોસાયટી ટેકસમાં એ ગ્રેડ ધરાવતી હોવા છતા પ્રાથમિક સુવીધાઓ અપુરતી મળી રહી છે.
આ અંગે મેયર નયનાબેન દ્વારા તુરંત લગત વિભાગના અધિકારી સાથે વાત કરી શ્રી બંગલો સોસાયટીની સમસ્યા ઉકેલવા સૂચના આપી હતી.
(4:17 PM IST)










