<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલનો ચોથો દિવસઃ લડત વધુ ઉગ્ર બનીઃ હવે સામુહિક રાજીનામાની ચેતવણી

એકલા રાજકોટ જીલ્લાના ૧૧ લાખ ગરીબ પરીવારોના નિસાસા : સરકાર બરોબર ભેખડે ભરાઇ છેઃ પરમીટ ઉપાડવાનો સમય પણ પુરોઃ હવે શું તેના ઉપર મીટ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત રાજયભરમાં આજે સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાળનો ચોથો દિવસ છે, નવેમ્‍બરની પરમિટ ન મુકાતા લાખો ગરીબોને અનાજ આપી શકાયું નથી, એકલા રાજકોટ જીલ્લાના જ ૧૧ લાખ કાર્ડ હોલ્‍ડર પરીવારોમાં દેકાનરો બોલી ગયો છે.

રાજકોટઃ રાજ્‍યભરના સસ્‍તા અનાજના દુકાનદારો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા છે. સરકાર દ્વારા હજી સુધી તેમની માંગણીઓનો સ્‍વીકાર ન કરાતાં આ હડતાળ યથાવત રહી છે, જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્‍પ થઈ ગઈ છે.

નવેમ્‍બર મહિના માટે અનાજની પરમિટ લેવાનો છેલ્લો દિવસ ગઈકાલે પૂર્ણ થયો હતો. પરંતુ, આ હડતાળના ભાગરૂપે મોટાભાગના સસ્‍તા અનાજના દુકાનદારોએ પરમિટ ઉપાડી ન હતી. પરમિટ મૂકવાનો સમય પૂરો થઈ જતાં, હવે આ મહિનાનું અનાજ લાખો ગરીબ પરિવારોને મળે તેવી શકયતા બહુ ઓછી છે, અને જો સમાધાન થાય તો પણ અનાજ અન્‍ય પુરવઠો બહુ મોડો મળશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.

બીજુ બાજુ   દુકાનદારોની વિવિધ માંગોનો સ્‍વીકાર ન થતાં આક્રોશ વધુ વધ્‍યો છે. વેપારીઓએ ચીમકી ઉચ્‍ચારી છે કે જો આગામી  દિવસમાં સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્‍વીકારવામાં નહીં આવે, તો તમામ સસ્‍તા અનાજના વેપારીઓ સામૂહિક રીતે પોતાના રાજીનામા આપી દેશે. આ પરિસ્‍થિતિ ગરીબો માટે અનાજના વિતરણ પર ગંભીર સંકટ ઊભું કરી શકે છે, પુરવઠા તંત્રના અધિકારીઓમાં ભારે દોડધામ વધી છે, રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે ૧૭૦ દુકાનો ખુલ્લી ગયાનો દાવો કર્યો છે, પરંતુ કયાં વિસ્‍તારની છે તેનો કોઇ ફોડ પાડયો નથી, સસ્‍તા અનાજના દુકાનદારો-કાર્ડ હોલ્‍ડરોમાં પ્રચંડ રોષ છવાયો છે. 

(3:47 PM IST)