<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

બેકરીમાં છુટ્ટા પૈસા પ્રશ્ને ધમાલઃ ગ્રાહકને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી મારકુટઃ દૂકાનદારને હાથ અને ગુપ્‍તાંગ પર બટકા ભરાયા

લક્ષ્મીવાડીમાં દૂધની થેલી લીધા બાદ બઘડાટીઃ ગંજીવાડાના યુવાન અને દૂકાનદાર યુવાનની સામ-સામી ફરિયાદ ધોકા-ઝાપટોથી બેફામ મારકુટ પણ કરાઇઃ સોનાનો ચેઇન, આઇવોચ ખોવાઇ ગયા, બે મોબાઇલ ફોન ભાંગી ગયાઃ ભક્‍તિનગર પોલીસે અમન ગોહેલની ફરિયાદ પરથી એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યોઃ સામે બેકરી સંચાલક દિવ્‍ય ચોૈહાણે અમન, તેના માતા-પિતા સહિતની વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૯: લક્ષ્મીવાડીમાં આવેલી રામેશ્વર બેકરી ખાતે દૂધની થેલી લેવા ગયેલા  ગંજીવાડાના યુવાન સાથે દૂકાનદાર સહિતનાએ છુટ્ટા પૈસા મામલે બોલાચાલી કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી મારમાર્યાની અને આ યુવાનના માતા-પિતા-બહેન આવતાં તેની સાથે પણ મારામારી અને અસભ્‍ય વર્તન કર્યાની ફરિયાદ થઇ છે. સામા પક્ષે દૂકાનદાર યુવાનને પણ યુવાન, તેના માતા-પિતા સહિતે ઝાપટો, ધોકાથી માર મારી ગાળો દઇ તેમજ હાથના પંજામાં અને ગુપ્‍તાંગ પર બટકા ભરી લઇ ઇજા પહોંચાડયાનો ગુનો નોંધાયો છે. ધોકાથા ઘાથી દૂકાનદારના બે મોબાઇલ ફોન તૂટી ગયા હતાં, આઇવોચ અને સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયા હતાં.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે લક્ષ્મીવાડી-૧૦માં આવેલ રામેશ્વર બેકરીમાં કાઉન્‍ટર પર બેઠેલા વ્‍યક્‍તિ અને ત્રણ અજાણ્‍યા સામે ગંજીવાડા મેઇન રોડ પર આશાપુરા ચોક શેરી નં. ૯માં રહેતાં ડો. યાજ્ઞિક રોડ પર પુમાના શો રૂમમાં નોકરી કરતાં અમનભાઇ ભરતભાઇ ગોહેલ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી મારામારી ગાળાગાળી અને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરવાનો ગુનો નોંધ્‍યો છે.

અમનભાઇ ગોહેલે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૨૬/૧૦ના રોજ સાંજે સવા આઠેક વાગ્‍યે હું નોકરીથી છુટીને કાંતા વિકાસ ગૃહ ચોકમાં વૃંદાવન ડેરીએ ઘી લેવા ગયો હતો. ત્‍યાં મારા મમીએ મને દૂધ પણ લઇ આવવાનો ફોન કરતાં વૃંદાવન ડેરીએ દૂધ માગતા તયાં દૂધ નહોતું. જેથી આગળ લક્ષ્મીવાડી-૧૦માં રામેશ્વર બેકરી ખાતે જઇ દૂધ માંગતા ત્‍યાં બેઠેલા શખ્‍સે ફ્રીઝમાંથી દૂધ લઇ લેવાનું કહેતાં મેં અમુલ ગોલ્‍ડની એક થેલી લઇ રૂા. ૧૦૦ દૂકાનદારને આપ્‍યા હતાં.

આ વખતે દૂકાનદારે છુટા પૈસા આપવાનું કહેતાં મેં કહેલું કે મારી પાસે છુટા નથી, તમારી પાસે ન હોય તો આ દૂધ પાછુ રાખો હું બીજેથી લઇ લઇશ. આથી દૂકાનદારે ક્‍યાંથી આવો છો? કેવા છો? એવુ બે ત્રણવાર પુછતાં મેં જ્ઞાતિ જણાવી હતી. આ પછી તેણે કાઉન્‍ટરમાંથી બહાર આવી મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી લાફો મારી દીધો હતો અને ઝપાઝપી કરી પછાડી દઇ મોઢા, પેટ, છાતીના ભાગે પાટા મારતાં હું બેભાન જેવો થઇ ગયો હતો. બાદમાં મેં ફોન કરતાં મારા પિતાજી અને મારા બહેન આવ્‍યા હતાં. આ દરમિાયન દૂકાનદારે ફરીથી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી તે માર ખાધો હવે બીજો પણ માર ખાવા આવી ગયો તેમ કહી ધોકો ઉગામતાં મેં પકડી લેતાં ઇજા થઇ હતી. આ દરમિયાન મારા મમ્‍મી પણ આવી ગયા હતાં. ત્‍યાં દૂકાનદારના ત્રણ સગા પણ આવી જતાં મને, મારા પિતાજી અને મમ્‍મીને મારકુટ કરી ગાળો દઇ ઝપાઝપી કરી અસભ્‍ય વર્તન કર્યુ હતું. બાદમાં મારા પિતાજીએ ૧૧૨માં ફોન કરતાં પોલીસ આવી હતી અને મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો. છુટ્ટા પૈસા મામલે આ માથાકુટ કરાઇ હતી.

આ બનાવમાં સામા પક્ષે લક્ષ્મીવાડી-૧૦ બાલકિશોર વિદ્યાલય સામે રામેશ્વર બેકરી ઉપર રહેતાં દિવ્‍ય દીપકભાઇ કરચલીયા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી તેની રામેશ્વર બેકરી ખાતે આવેલો ૨૦ થી ૨૫ વર્ષનો શખ્‍સ (જેને તે જોયે ઓળખી શકે) તથા આ શખ્‍સના માતા-પિતા અને અજાણી છોકરી વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

દિવ્‍ય કરચલીયાએ જણાવ્‍યું છે કે ૨૬મીએ સાંજે આઠેક વાગ્‍યે હું મારી દૂકાને કાઉન્‍ટર પર હતો ત્‍યારે અજાણ્‍યો યુવાન ગ્રાહક તરીકે આવ્‍યો હતો અને અમુલ ગોલ્‍ડ દૂધની થેલી માંગતા મેં ફ્રજિમાંથી લઇ લેવાનું કહેતાં તે થેલી લઇ કાઉન્‍ટર પાસ આવેલ અને રૂા. ૧૦૦ આપતાં મેં તેને છુટા પૈસા આપવાનું કહેતાં તેણે છુટા નથી તેમ કહેલું. જેથી મેં તેને વાંધો નહિ બીજીવાર આવો ત્‍યારે આપી દેજો દૂધ લેતા જાવ તેમ કહેતાં તેણે સીધી મા સમી ગાળ દીધી હતી અને કહેલું કે-આવડી મોટી દૂકાન છે અને છુટ્ટા પૈસા રાખતા નથી? જેથી હું કાઉન્‍ટરમાંથી બહાર આવેલ અને તેને ગાળ નહિ બોલવાનું કહેતાં તેણે ઝપાઝપી કરતાં હું પડી ગયો હતો.

એ દરમિયાન આ યુવાન કોઇને ફોન કરતો હોઇ મેં પણ મારી સેફટી માટે બહાર કારમાંથી ધોકો કાઢી મારી પાસે રાખી લીધો હતો. ત્‍યાં થોડીવારમાં એક ભાઇ અને છોકરી આવ્‍યા હતાં. આ ભાઇ આ યુવાનના પિતા હોવાની ખબર પડી હતી. તેણે અને છોકરીએ મને મારકુટ ચાલુ કરી હતી. ગાળો દઇ માથામાં ઝાપટો મારી હતી અને સાથેના લેડીઝે મને હાથના પંજામાં તેમજ મારા ગુપ્‍તાંગ ઉપર બટકા ભરી લીધા હતાં. હાથમાં લોહી નીકળવા માંડયું હતું. આ પછી વધુ એક મહિલા આવેલ, જે આ ગ્રાહક યુવાનના મમ્‍મી હોવાની ખબર પડી હતી. તેણે પણ ગાળો દીધી હતી. દરમિયાન મારા હાથમાંથી ધોકો આ યુવાનના પિતાજીએ ખેંચી લીધો હતો અને તેના દિકરાને આપતાં તેણે મને આડેધડ ઘા ફટકાર્યા હતાં.

આ દરમિયાન મારા મિત્ર, મારા કાકાનો દિકરો સહિતના આવી જતાં મને છોડાવ્‍યો હતો. ઝપાઝપીમાં અને ધોકાના ઘાને કારણે મારા ૮૨ હજારના બે મોબાઇલ તૂટી ગયા હતાં. કાંડામાં પહેરેલી આઇ વોચ, ગળામાં પહેરેલો પચાસ ગ્રામનો સોનાનો ચેઇન પણ  ખોવાઇ ગયા હતાં. આ પછી મને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. મેં જે તે વખતે ફરિયાદ કરી નહોતી, પણ સામેવાળાએ ફરિયાદ કરી હોવાની ખબર પડતાં મેં પણ ફરિયાદ કરી હતી. હજુ હું સારવાર હેઠળ છું. તેમ વધુમાં દિવ્‍યએ જણાવતાં હેડકોન્‍સ. પ્રશાંતસિંહ ચોૈહાણે બંને ગુના દાખલ કર્યા છે. 

(4:00 PM IST)