<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મહિલા કોન્‍સ્‍ટેબલ હર્ષિતીબેન પતિ હર્ષ અને સાસુ ચંપાબેનના ત્રાસને લીધ મરવા મજબૂર થયા હતાં

કોઠારીયા સિલ્‍વર સ્‍પેસમાં રહેતાં પરિણીતાએ ગયા મહિને ઝેર પી આપઘાત કર્યો હતો : ઝેર પી આપઘાત કર્યાના બનાવમાં આજીડેમ પોલીસે મૃતકના માતા ગંગાબેન ધુળાની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યોઃ ત્રાસને લીધે પાંચેક વખત હર્ષિતીબેન રિસામણે ગયા હતાં: બનાવથી છ વર્ષનો દિકરો મા વિહોણો થયો

રાજકોટ તા. ૧૭: કોઠારીયાર શિવ ભવાની ચોકમાં રહેતા આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્‍સ્‍ટેબલે ગયા મહિને ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેણીનું અમદાવાદ ખાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ બનાવમાં તેણી પતિ અને સાસુના ત્રાસને લીધે મરવા માટે મજબૂર થયાની ફરિયાદ તેણીના માતા દ્વારા કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આજીડેમ પોલીસે જામજોધપુરના જામવાડી ગામના મુળ વતની અને હાલ રાજકોટ ભીમનગર વામ્‍બે આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં ગંગાબેન વિનોદભાઇ ધુળા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી તેમના જમાઇ હર્ષ મનુભાઇ ભરાડીયા અને વેવાણ ચંપાબેન મનુભાઇ ભરાડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં ગંગાબેન ધુળાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહી મનપામાં કોન્‍ટ્રાક્‍ટ બેઝથી નોકરી કરુ છું. મારે સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જેમાં મોટી દિકરી હર્ષિતીબેન (ઉ.વ.૨૮)ના લગ્ન આઠ વર્ષ પહેલા મારા નણંદ ચંપાબેનના દિકરા હર્ષ મનુભાઇ ભારડીયા સાથે થયા હતાં. જે તે વખતે તેઓ જુનાગઢ રહેતાં હતાં.  લગ્ન જીવન દરમિયાન મારી દિકરીએ એક પુત્રને જન્‍મ આપ્‍યો હતો. જે હાલ છ વર્ષનો છે. હાલમાં મારી દિકરી હર્ષિતીબેન, તેના પતિ અને પુત્ર સાથે કોઠારીયા શિવભવાની ચોક પાસે સિલ્‍વર સ્‍પેસમાં સાતમા માળે રહેતી હતી. તેમજ તેણી આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતી હતી.

તા. ૮/૯ના રોજ હું નોકરી પર હતી ત્‍યારે મારા પતિ પર જમાઇ હર્ષકુમારે ફોન કરી કહ્યું હતું કે હર્ષિતી ઝેરી દવા પી ગઇ છે અને રાજનગર ચોક પાસે સમ્‍યક હોસ્‍પિટલમાં દાલખ કરી છે. આથી હું અને મારા પતિ ત્‍યાં પહોંચતા મારી દિકરી બેભાન હાલતમાં સારવાર હેળ હતી. જમાઇને અમે પુછતાં તેણે કહેલુ કે સવારે હું રસોડામાં ચા બનાવતો હતો ત્‍યારે હર્ષિતી અને દિકરો પૃથ્‍વી રૂમમાં હતાં. એ પછી દિકરાએ આવીને મને કહેલું કે મમ્‍મીને ઉલ્‍ટી થાય છે. જેથી હું ત્‍યાં જતાં ત્‍યાં દવાનું કોઇ પાઉચ પડેલુ હોઇ તુરત ૧૦૮ બોલાવી તેણીને સારવાર માટે લાવ્‍યો છું. તેમ જમાઇએ કહ્યું હતું. બાદ મારી દિકરીને વધુ સારવાર માટે અમદાવાદ ૬/૧૦ના રોજ લઇ ગયા હતાં. જ્‍યાં ૭/૧૦ના રોજ તેણીનું મૃત્‍યુ થયું હતું.

મૃતદેહને જમાઇ જુનાગઢ વતન લઇ ગયેલ અને અંતિમવિધી કરી હતી. દિકરી હર્ષિતીબેને અગાઉ ૬/૯ના રોજ અમારા ઘરે આવી ત્‍યારે મને વાત કરી હતી કે મારો પતિ હર્ષ તેની માતાની વાતોમાં આવી વારંવાર મારી સાથે ઝઘડો કરે છે અને મારકુટ કરે છે. કાકાજી મનસુખભાઇ ગુજરી જતાં હું જુનાગઢ ગઇ હતી ત્‍યાં પણ પતિ હર્ષ અને સાસુ ચંપાબેને મારી સાથે ઝઘડો કરી સાસુએ બે ઝાપટ મારી દીધી હતી.

આ અગાઉ પણ દિકરી હર્ષિતીબેને પાંચેક વખત રીસામણે આવી ત્‍યારે મને વાત કરી હતી કે તેણીને પતિ અને સાસુ દુઃખ ત્રાસ આપે છે અને તે કંટાળી ગઇ છે. પણ સંસાર ન બગડે અમે તેણીને સમજાવીને સાસરે મોકલી દીધી હતી. મારી દિકરીને પતિ અને સાસુએ ત્રાસ આપ્‍યો હોઇ તેણી મરી જવા મજબૂર થઇ હોઇ અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ગંગાબેને જણાવતાં આજીડેમના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. આર. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(4:09 PM IST)