News of Thursday, 16th October 2025
જસદણના જસાપર ગામના ‘ડબલ મર્ડર' કેસમાં પિતા પુત્રને આજીવન કેદ
આજથી આઠેક વર્ષ પૂર્વે નજીવી બાબતે જસાપરના બે પટેલ યુવાનની હત્યાના કેસમાં રાજકોટ સેસન્સ કોર્ટનો ચુકાદો : આરોપીની વૃધ્ધ માતાને મહાવ્યથા સબબ ત્રણ વર્ષની સજા : ભોગ બનનારને ૧૧ લાખનું વળતર ચુકવવા આદેશઃ સરકાર પક્ષે સ્પે.પી.પી. ધીરૂભાઇ પીપળીયા અને ફરીયાદ પક્ષના વકીલ અંશ ભારદ્વાજની સફળ રજુઆત

રાજકોટ : કેસની પ્રાપ્ત હકિકતો મુજબ, ફરીયાદી હરેશભાઈ શીવાભાઈ વાસાણીએ તા.૦૮/૦૫/૨૦૧૭ના રોજ રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસ સ્ટેશન સમક્ષ પોતાની ફરીયાદ સુપ્રત કરાવતા જણાવેલ હતું કે, તા.૦૭/૦૫/૨૦૧૭ ના રોજ આ કામના આરોપી જીતેન્દ્રગીરી ગણ પતગીરી ગોસાઈનું મોટર સાયકલ અને આ કામના મરણજનાર વિમલભાઈનું મોટર સાયકલ આમને સામને ભટકાતા આરોપી જીતેન્દ્રગીરીને મોટર સાયકલમાં સામાન્ય નુકશાન થયેલ હતું. જેથી આરોપી જીતેન્દ્રગીરી ઉશ્કેરાઈ જઈ મરણજનાર વિમલભાઈના મોટર સાયકલ ઉપર ઘા મારી નુકશાન કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે બાબતે મરણજનાર વિમલભાઈ આ કામના ફરીયાદીને ફોનથી વાત કરેલ હતી.
જેથી ફરીયાદીએ જણાવેલ કે આવી સામાન્ય બાબતે ઝઘડો કરાય નહી અને આપણે જીતેન્દ્રગીરીના પિતા ગણપતગીરી (આરોપી નં.૨)ને આ બાબતે વાત કરી સમાધાન કરાવી લઈએ. તેમ કહી ફરીયાદી અને મરણજનાર વિમલભાઈ જીતેન્દ્રગીરીના ઘર પાસે ગયેલ હતા અને ફરીયાદી હરેશભાઈ તેમજ મરણજનાર વિમલભાઈ ત્યાં ઉભેલા ગણપતગીરી ગોસાઈ અને તેમના પત્ની લાભુબેનને કહેતા હતા કે આપણે એક જ ગામના છીએ સામાન્ય બાબતમાં ઝઘડો સારો ન લાગે તેમ વાતચીત કરતા હતા ત્યારે જીતેન્દ્રગીરી ગણ પતગીરી બાવાજી તેમના ઘરમાંથી હાથમાં છરી લઈને આવેલ અને ફરીયાદીના ભાઈ વિમલને પેટમાં ઉપરા ઉપરી છરીના ચાર ઘા મારી દીધેલ. તે દરમ્યાન ગામના આગેવાન ગોવિંદભાઈ ભાયાણી (ઈજા પામનાર સાહેદ) અને તેમના પુત્ર લાલજીભાઈ ભાયાણી (મરણજનાર) પણ ત્યાં આવી પહોંચતા તેઓ ગોવિંદભાઈને છોડાવવા જતા તેવામાં આ જીતેન્દ્રગીરીના બા લાભુબેને તેના હાથમાં ધોકો હોય જે લાલજીના માથામાં મારેલ અને જીતેન્દ્રગીરીના બાપુજી ગણ પતગીરીએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી લાલજીભાઈને બે-ત્રણ ઘા પેટના ભાગે મારેલ અને ગોવિંદભાઈ વચ્ચે પડતા તેઓને પણ આ જીતેન્દ્રગીરી તથા તેના બાપુજી ગણપતગીરી છરીના ઘા મારી દીધેલ. આમ ત્રણેય વ્યકિતઓને છરી અને ધોકાના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં પડી ગયેલ હતા અને આવો બનાવ બનતા ફરીયાદી બીકના લીધે દોડીને ગામમાં તેમના ઘર તરફ ભાંગેલ અને થોડીવાર પછી પાછા બનાવ સ્થળે આવેલા.
ત્યારબાદ ઈજા પામનારા લાલજીભાઈ, વિમલભાઈ અને ગોવિંદભાઈને અલગ અલગ ફોરવ્હીલ ગાડીઓમાં જસદણના કોટડીયા સાહેબના દવાખાને લઈ ગયેલા અને ત્યાં કોટડીયા સાહેબે ગોવિંદભાઈને તાત્કાલીક રાજકોટ સારવાર માટે લઈ જવાનું કહેલ અને લાલજીભાઈ તથા વિમલભાઈની તપાસ કરી જસદણ દવાખાને લઈ જવાનું કહેલ અને ત્યારબાદ લાલજીભાઈને અને વિમલભાઈને જસદણ સરકારી દવાખાને લઈ ગયેલ ત્યાં બંનેને ફરજ પરાના ડોકટરે તપાસી મરણ ગયેલનું જણાવેલ હતું.
ઉપરોક્ત હકિકતની ફરીયાદ ફરીયાદી હરેશભાઈ શીવાભાઈ વાસાણીએ આરોપીઓ જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈ તથા ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈ તથા લાભુબેન ગણપતગીરી ગોસાઈ સામે નોંધાવેલ હતી. જે બાદ પોલીસે ઉપરોકત ત્રણેય આરોપીઓની અટક કરેલ હતી અને તપાસના અંતે તેમની સામેનું ચાર્જશીટ નામદાર સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતું.
કેસની ગંભીરતાને જોતા અને સમાજમાં આ બનાવની પડેલ ઉંડી અસરને ઘ્યાને લઈ ગુજરાત સરકારે કેસ ચલાવવા માટે સીનીયર એડવોકેટ ધીરજકુમાર એસ. પીપળીયાને સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે નીમેલ હતા. જ્યારે ફરીયાદી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ વિકલ તરીકે રોકાયેલ હતા.
નામદાર સેશન્સ કોર્ટમાં કેસ ચાલુ થતા કુલ ૨૩ સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા અને ૩૮ થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. ત્યારબાદ બચાવપક્ષે બે બચાવના સાહેદ તરીકે પોલીસ અધિકારીઓને તપાસેલ હતા.
સદર કામે સરકારપક્ષ તરફે પુરાવો પુર્ણ થઈ જતા આરોપીનો જવાબ નામદાર કોર્ટે નોંધેલ હતો અને ત્યારબાદ કેસ આખરી દલીલ પર આવી પહોંચેલ હતો. ત્યારબાદ બંનેપક્ષ દ્વારા વિગતવારની દલીલો કરવામાં આવેલ હતી જેમાં સરકાર તરફે સ્પે.પી.પી. શ્રી ધીરજભાઈ એસ. પીપળીયાએ દલીલ કરતા જણાવેલ હતું કે, આ કેસમાં જે ૨૩ સાહેદોને ફરીયાદપક્ષે તપાસવામાં આવેલ હતા તે પૈકી ત્રણ સાહેદોએ ફરીયાદપક્ષને સમર્થન આપેલ નથી પરંતુ બાકિના તમામ સાહેદોએ ફરીયાદપક્ષને સંપુર્ણ પણે સમર્થન આપેલ છે. વધુમાં દલીલ કરવામાં આવેલ હતી કે, ફરિયાદી તથા ઈજા પામનાર ગોવિંદભાઈએ પણ હાલના ફરીયાદ પક્ષના કેસને સંપુર્ણપણે સમર્થન આપેલ છે અને તમામ પંચોએ તથા પોલીસ અધિકારીઓએ અને બચાવપક્ષે જે બે બચાવના સાહેદોને તપાસેલા હતા તેઓએ પણ ફરીયાદપક્ષના કેસને સંપુર્ણ પણે સમર્થન આપેલ છે અને ફરિયાદ પક્ષનો કેસ ફરીયાદ પક્ષ પુરવાર કરવામાં સફળ રહેલ હોય તમામ આરોપીઓને સજા કરવા માટેની દલીલ કરેલ હતી.
વધુમાં સરકાર તરફે એવી દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામમાં તપાસવામાં આવેલ ડોકટરશ્રીએ પણ મરણજનારને જે ઈજાઓ થયેલ છે અને તે ઈજાના કારણે મરણજનારનું મળત્યુ નીપજી શકે તેવી ઈજા હોવાનું જણાવેલ છે અને ઈજા પામનાર ગોવિંદભાઈને વોકાર્ડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતા તે ડોક્ટરે પણ ઈજા પામનારને ગંભીર પ્રકારની ઈજા થયેલ હોવાનું જણાવેલ હતું અને તપાસ કરનાર અમલદારે તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી હથીયાર તથા મરણજનાર અને ઈજા પામનારના કપડાઓ પણ કબ્જે કરેલ હતા અને તેમની જુબાનીમાં આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોવાનું જણાવીને તેઓની સામે ચાર્જશીટ કરેલ હતું. જે તમામ સાહેદોની જુબાનીને ન માનવાને કોઈ કારણ રહેતું ન હોય આરોપીઓને તકસીરવાન ઠરાવવા માટેની દલીલ કરવામાં આવેલ હતી. જે દલીલોને ઘ્યાને લઈને નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવેલ હતા.
નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી નીચે મુજબની સજા કરેલ હતી :
આરોપી નં.૧ જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈને આઈ.પી.સી. કલમ-૩૦૨ સાથે વાચતા ૧૧૪ ના ગુનામાં આજીવન કેદ અને રૂા.૫,૦૦,૦૦૦/- નો દંડ કરેલા હતો અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા અને આઈ.પી.સી. કલમ-૩૦૭ સાથે વાચતા ૧૧૪ ના ગુનામાં ૫ વર્ષની સજા અને રૂા.૫૦,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની સજા અને ગુજરાત પોલીસની કલમ-૧૩૫ માં ૬ મહિનાની સજા અને રૂા. ૫૦૦/-દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ મહિનાની સજા.
આરોપી નં.૨ ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈને આઈ.પી.સી. કલમ-૩૦૨ સાથે વાચતા ૧૧૪ ના ગુનામાં આજીવન કેદ અને રૂા.૫,૦૦,૦૦૦/- નો દંડ કરેલ હતો અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા અને આઈ.પી.સી. કલમ-૩૦૭ સાથે વાચતા ૧૧૪ ના ગુનામાં ૫ વર્ષની સજા અને રૂા.૫૦,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની સજા અને ગુજરાત પોલીસની કલમ-૧૩૫ માં ૬ મહિનાની સજા અને રૂા. ૫૦૦/-દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ મહિનાની સજા.
આરોપી નં.૩ લાભુબેન ગણપતગીરી ગોસાઈને આઈ.પી.સી. કલમ-૩૦૭ સાથે વાચતા ૧૧૪ ના ગુનામાં ૩ વર્ષની સજા અને રૂા.૫૦,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની સજા અને ગુજરાત પોલીસની કલમ-૧૩૫ માં ૬ મહિનાની સજા અને રૂા.૫,૦૦/- દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ મહિનાની સજા.
નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ઉપરોકત સજા તથા દંડની જે સજા ફરમાવેલી હતી તે દંડમાંથી મરણજનાર વિમલભાઈ શીવાભાઈ વાસાણીના કુંટુંબને રૂા.૫,૦૦,૦૦૦/- અને બીજા મરણજનાર લાલજીભાઈ ગોવિંદભાઈ ભાયાણીના કુંટુંબને રૂા.૫,૦૦,૦૦૦/- અને ઈજા પામનાર ગોવિંદભાઈ ભીમજીભાઈ ભાયાણીને રૂા.૧,૦૦,૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ હતો.
હાલના કેસના કામે આરોપી ગણપતગીરી ગોસાઈ દ્વારા ફરીયાદપક્ષ વિરૂધ્ધ પણ મારામારીની ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી જે કામે પોલીસ દ્વારા મરણજનાર વિમલભાઈ અને લાલજીભાઈ તેમજ ઈજા પામનાર ગોવિંદભાઈ અને ખુન કેસના ફરીયાદી હરેશભાઈ વિરૂધ્ધ ક્રોસ કમ્પ્લેન્ટ નોંધવામાં આવેલ હતી. જે ક્રોસ કમ્પ્લેન્ટના કામે ઈજા પામનાર ગોવિંદભાઈ અને હ૨ેશભાઈની અટક કરવામાં આવેલ હતી અને તેઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું. જે ક્રોસ કેસ પણ ખુન કેસ સાથે ચાલી જતા નામદાર સેશન્સ કોર્ટે ગોવિંદભાઈને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. જ્યારે હરેશભાઈ નાશતા ભાગતા હોય તેમની સામેનો કેસ ચાલુ રાખવામાં આવેલ હતો.
આ કામમાં સ્પે.પી.પી. તરીકે ધીરજકુમાર એસ. પીપળીયાએ સરકાર તરફે કેસ ચલાવેલ હતો અને તે કેસમાં મુળ ફરીયાદીના તેમજ ક્રોસ કેસમાં ગોવિંદભાઈના વકીલ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ રોકાયેલ હતા. જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની ટીમમાં એડવોકેટસ અંશ ભારદ્વાજ, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહીત, અતુલ બોરીચા, દિશા ફળદુ, મિહિર શુકલ વિગેરેનો સમાવેશ થાય છે.
(3:30 PM IST)










