<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

બેડી યાર્ડમાં દુકાન વધાવી રતનપર ઘરે જઇ રહેલા વેપારી કામેશ્વરભાઇ જોષીનું ‘હિટ એન્‍ડ રન'માં મોત

બેડી યાર્ડ નજીક બનાવઃ અજાણ્‍યા વાહનનો ચાલક ટુવ્‍હીલર સહિત ઉલાળીને ભાગી ગયોઃ શરીરના ફુરચા ઉડી ગયાઃ કુવાડવા રોડ પોલીસે મૃતકના પુત્ર વિજયભાઇ જોષીની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે મૃતદેહ, લોકોના ટોળા, પોલીસ સ્‍ટાફ અને મૃતક વેપારીનું વાહન તથા તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. તસ્‍વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી

રાજકોટ તા. ૧૧: રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામથી આગળ ક્રિષ્‍ના હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ નજીક હિટ એન્‍ડ રનના બનાવમાં રતનપર ગામે રહેતાં અને બેડી યાર્ડમાં કરિયાણાની દૂકાન ચલાવતાં વેપારી વૃધ્‍ધનું કમકમાટી ભર્યુ મોત થયું છે. તેઓ સાંજે યાર્ડની દુકાન વધાવી ટુવ્‍હીલર પર ઘરે જતાં હતાં ત્‍યારે ડમ્‍પર કે અજાણ્‍યો કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ઘટના સ્‍થળે તેમના શરીરનો છૂંદો થઇ  ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પરના રતનપરમાં રહેતાં કામેશ્વરભાઇ રામજીભાઇ જોષી (ઉ.વ.૭૧) સાંજે સાડા સાતેક વાગ્‍યે પોતાનું ટુવ્‍હીલર જીજે૦૩સીબી-૩૯૩૬ હંકારીને બેડી યાર્ડથી રતનપર ઘરે જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં બેડી યાર્ડ નજીક ક્રિષ્‍ના હોટલ પાસે અજાણ્‍યો ડમ્‍પર અથવા અન્‍ય કોઇ વાહનના ચાલકે તેમને ટુવ્‍હીલર સહિત ઠોકરે ચડાવી દીધા હતાં. આ પછી તેમના શરીર પર વાહનના તોતીંગ વ્‍હીલ ફરી વળતાં શરીરના ફુરચા ઉડી ગયા હતાં અને તેમનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબે કામેશ્વરભાઇ જોષીને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં રાજકોટ મવડી પાળ રોડ પર શીવ ટાઉનશીપમાં રહેતાં તેમના દિકરા વિજયભાઇ કામેશ્વરભાઇ જોષી (ઉ.વ.૪૧) સહિતના કુટુંબીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતાં. કુવાડવા પોલીસ મથકના એએસઆઇ એમ. એમ. આજગ્‍યા પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર કામેશ્વરભાઇ જોષી  ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે રતનપરમાં પત્‍નિ વીમલાબેન સાથે રહેતાં અને બેડી યાર્ડમાં કરીયાણાની દુકાન ચલાવતાં હતાં. સાંજે દુકાન વધાવી ઘરે જવા નનીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. પોલીસે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકને શોધવા તપાસ હાથ ધરી છે. મોભીના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

(6:02 PM IST)