News of Wednesday, 24th September 2025
મનપાના વિવિધ વિભાગમાં પ્રશ્નનો ધોધ વહાવતા ધારાસભ્યો
ચૂંટાયેલા પ્રતિનિધીઓની તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઇ કોર્પોરેશન ઇ-સંકલન પોર્ટમાં વધુ એક સુવિધા ઉમેરાશેઃ સાંસદ-ધારાસભ્યોની રજુઆતોના ઉકેલની જાણ મેસેજ કરવા મ્યુ. કમિશનરની ખાત્રી

રાજકોટ, તા., ર૪: શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવવામાં આવેલ ઇ-સંકલન પોર્ટલમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો હતો. ઉપરાંત MP-MLA ઓ દ્વારા કરવામાં આવતી રજુઆતો અંગે સત્વરે સંબંધિત શાખા અધિકારીશ્રીને મેસેજ દ્વારા જાણકરી મળે તેમજ અધિકારીશ્રી દ્વારા લગત રજુઆતો/પ્રશ્નના પ્રત્યુત્તર અપલોડ કર્યાની સાથે જ સંબંધિત MP-MLA ઓને મેસેજ દ્વારા જાણકારી મળેશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્નો/રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી.
મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યો માટે ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ, પ્રશ્ન, રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ, પ્રશ્ન, રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથી સાંસદસભ્ય અને ધારાસભ્યોને યોગ્ય જાણકારી મળી રહે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ/ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ, પ્રશ્ન, રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, બાંધકામ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, અને દબાણ હટાવ શાખા વોટર વર્કસ શાખા, બાંધકામ શાખા, આરોગ્ય શાખા, ટ્રાફિક સર્કલ અને ફૂડ શાખા લગત પ્રશ્નો / રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.ધારાસભ્યઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો/રજુઆતોનો સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:35 PM IST)










