News of Tuesday, 16th September 2025
સાધુ વાસવાણી રોડ પરના વેપારી તુષારભાઇને છેતરી શૈલેષ નામનો ગઠીયો સિંગતેલના ડબ્બા ઉઠાવી ગયો
૧૧ ડબ્બા તુલસી સુપર માર્કેટ પાસેની મારી ફરસાણની દુકાને ઉતારી ૪ ડબ્બા લઇ રૈયા આવો તેવુ કહ્યું: વેપારી રૈયા ગયા ત્યાં પાછળથી ૧૧ ડબ્બા રિક્ષામાં ભરી ગયો જામજોધપુર મીલના સંચાલક સંદિપ કાંજીયાને ફોન કરી કહ્યું-હું તમારા ગામનો છું, રાજકોટમાં મારે સીંગતેલ લેવું છેઃ જેથી સંદિપે રાજકોટ રહેતાં પિત્રાઇ તુષાર કાંજીયાના નંબર આપતાં ગઠીયાએ તેને ફોન જોડી છેતરપીંડી કરી લીધી ફરસાણની દૂકાનવાળાએ ગઠીયાએ અગાઉથી કહી દીધેલું કે-હું સામે જ રહું છું, મારા તેલના ડબ્બા આવે તે થોડીવાર માટે અહિ ઉતારવા દેજોઃ રિક્ષા ભાડે કરી જીવરાજ પાર્ક તરફ ગયાની માહિતી પોલીસને મળી

રાજકોટ તા. ૧૬: શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં મુળ જામજોધપુરના યુવાન તેના કુટુંબી ભાઇની જામજોધપુરની મીલમાંથી સીંગતેલના ડબ્બા મંગાવી વેંચાણ કરતાં હોઇ એક ગઠીયાએ જામજોધપુર ફોન કરી પોતે આ ગામનો જ છે, તેલના ડબ્બા લેવા છે તેમ કહી રાજકોટના યુવાનનો નંબર મેળવી બાદમાં તેને ફોન કરી ૧૫ ડબ્બા લેવા છે, ૧૧ ડબ્બા રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પાસે મારી ફરસાણની દુકાને ઉતારજો અને ૪ ડબ્બા રૈયા સ્મશાન નજીક મારા ઘર પાસે લાવજો એટલે પૈસા આપી દઇશ તેમ કહેતાં યુવાન વિશ્વાસ રાખી ૧૧ ડબ્બા દુકાન પાસે ઉતારી બાકીના ૪ ડબ્બા રૈયા ઉતારવા ગયો ત્યારે પાછળથી ગઠીયો ૧૧ ડબ્બા લઇ ભાગી ગયો હતો. આ ગઠીયાએ ફરસાણની દૂકાનવાળાને પણ અગાઉથી જ મળીને એવુ કહી દીધુ હતું કે હું સામે જ રહું છું, હમણા મારા તેલના ડબ્બા આવે એ ઉતારવા દેજો. જેથી દુકાનવાળાએ ડબ્બા ઉતરાવી દીધા હતાં.
આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ જનકપુરી કોમ્પલેક્ષ બ્લોક નં. ૫૨૦૬માં રહેતાં તુષારભાઇ જેન્તીલાલ કાંજીયા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી શૈલેષ ભાલોડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તુષારભાઇ કાંજીયા સીંગતેલનો વેપાર કરે છે. તેણે જણાવ્યું છે કે મારા મોટા બાપુના દિકરા સંદિપભાઇ રતીભાઇ કાંજીયાને જામજોધપુર ખાતે ઓઇલ મીલ હોઇ ત્યાંથી હું સીંગતેલના ડબબા મંગાવી રાજકોટમાં અલગ અલગ જગ્યાએ વેંચાણ કરુ છું. ગત તા. ૧૨/૪ના રોજ ભાઇ સંદિપભાઇએ મને ફોન કરી કહેલુ કે કોઇ શૈલેષ ભાલોડીયા નામની વ્યક્તિએ મને ફોન કરી વાત કરી છે કે હું જામજોધપુરનો વતની છું અને હાલ રાજકોટ રહુ છું, મારે સીંગતેલના ડબબા જોઇએ છે. જેથી મેં આ શૈલેષને તારા ફોન નંબર આપ્યા છે, ફોન આવે તો વાત કરી લેજે.
આ પછી ૧૪/૪ના સાંજે છએક વાગ્યે હું ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે પોતાનું નામ શૈલેષ ભાલોડીયા હોવાનું કહી જણાવ્યું હતું કે હું તમારા જ ગામનો છું, મારે સીંગતેલના ૧૫ ડબ્બા જોઇએ છે. જેથી મને શૈલેષ પર વિશ્વાસ આવતાં મેં હા પાડી હતી. શૈલેષના નામે ફોન કરનારે કહેલુ કે ૧૧ તેલના ડબ્બા રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પહેલા મારી ફરસાણની દુકાન છે ત્યાં મુકી દેજો, બાકીના ૪ ડબબા રૈયા સ્મશાનની બાજુમાં હું રહું છું ત્યાં ઉતારવાના છે. તમે રૈયા આવશો એટલે તમને પૈસા આપી દઇશ અને ચાર ડબ્બા લઇ લઇશ.
આથી હું વિશ્વાસમાં આવી ગયો હતો અને મારી કારમાં તેલના ૧૧ ડબ્બા રાખી શૈલેષે કહ્યા મુજબ તુલસી સુપર માર્કેટ પાસે આવેલી ફરસાણની દુકાને મુકયા ગયો હતો. ત્યારબાદ રૈયા સ્મશાન પાસે બાકીના ચાર ડબ્બા મુકવા જતાં ત્યાં કોઇ ઉભુ ન હોઇ જેથી શૈલેષને મેં ફોન કરતાં તેણે હું ટ્રાફિકમાં ફસાયો છું, હમણા જ આવું છું તેમ કહ્યું હતું. પરંતુ વારંવાર ફોન કરતાં તે અલગ અલગ બહાના બતાવતો હોઇ મને શંકા ઉપજતાં મેં ૧૧ તેલના ડબ્બા ફરસાણની દુકાન પાસે મુક્યા હોઇ ત્યાં જઇ દૂકાનવાળાને પુછતાં તેણે કહેલું કે આ દુકાન તો મારી છે, પણ તમે જે ડબ્બા મુક્યા હતાં તે એક ભાઇ હમણા જ અહિથી લઇ ગયા છે. આ અજાણ્યા ભાઇએ થોડા સમય પહેલા એક ભાઇ આવીને કહી ગયા હતાં કે હમણા મારા તેલના ડબ્બા આવશે તે અહિ મુકવા દેજો, થોડીવારમાં લઇ જઇશ તેમ કહી ગયા હતાં. આમ શૈલેષ નામનો શખ્સ રૂા. ૨૯૭૦૦ના સિંગતેલના ૧૧ ડબ્બા છેતરપીંડીથી લઇ ગયો હતો.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ વી. ડી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન આ ગઠીયાની પોલીસે ઓળખ મેળવી લીધી છે. તેનું સાચુ નામ શૈલેષ નહિ પણ અલ્પેશ હોવાની માહિતી મળી છે, તેમજ રિક્ષા ભાડે કરી તેમાં આ શખ્સ તેલના ૧૧ ડબ્બા જીવરાજ પાર્ક નજીક લઇ ગયાનું અને ત્યાંથી બીજી રિક્ષામાં ડબ્બા ભરી ગયાનું ખુલતાં તેને શોધી કાઢવા ટીમ કામે લાગી છે.
(2:19 PM IST)










