<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

પડધરીમાં પત્નીને લાકડાના ધોકા ફટકારી હત્યા કરનાર નશાખોર પતિ વલ્લભ વાઘેલાની કૂવામાંથી લાશ મળી: આપઘાત કર્યો હોવાની શંકા: મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ: પડધરીના ગીતા નગરમાં રહેતી કનુબેન વલ્લભભાઈ વાઘેલા નામની મહિલા ઉપર ગુરુવારે રાત્રે તેના પતિ વલ્લભ વાઘેલાએ લાકડીથી હુમલો કરી માથામાં ગંભીર ક્યાં પહોંચાડી હતી. પત્ની પર હુમલો કરી પતિ વલ્લભ ભાગી ગયો હતો, બીજી તરફ ગંભીર ઇજાગ્રસ્ત કનુબેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પડધરી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપી પતિ વલ્લભની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આજે શનિવારે પતિ વલ્લભની લાશ પડધરી ગીતાનગરના કૂવામાંથી મળી આવતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ પડધરીના ગીતાનગરમાં રહેતા  ૪૦ વર્ષીય કનુબેન વાઘેલા ઉપર ગુરુવારે મોડી રાત્રે તેના પતિ વલ્લભ ગગજીભાઈ વાઘેલાએ ધોકાથી હુમલો કરી માથામાં બેફામ માર મારતા તેણીને ગંભીર ઈજા થઈ હતી. બનાવની જાણ થતા નજીકમાં રહેતો દીકરો રાજેશ વાઘેલા ત્યાં દોડી ગયો હતો. પરંતુ ઘરનો દરવાજો બંધ હોય વંડી ઠેકી અંદર જતા તેણે માતાને લોહી લુહાણ હાલતમાં પડેલી જોઈ હતી. પાછળનો દરવાજો ખુલ્લો હતો ત્યાંથી તેના પિતા ભાગી ગયાનું તેને જાણવા મળ્યું હતું.

ગંભીર ઇજાગ્રસ્ત કનુબેનને પડધરી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બારામાં પડધરી પોલીસે કનુબેનના પુત્ર રાજેશ વાઘેલાની ફરિયાદ પરથી રાજેશના પિતા વલ્લભ ગગજીભાઈ વાઘેલા વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. આ દરમિયાન કનુબેનને રાજકોટમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પડધરી પોલીસે આરોપી વલ્લભને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે વલ્લભની લાશ પડધરી ગીતાનગરના કૂવામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પત્નીને ધોકા ફટકારી નશાની હાલતમાં ભાગતી વખતે વલ્લભ અકસ્માતે કુવામાં પડી ગયો કે પછી પસ્તાવો થતા આપઘાત કર્યો કે અન્ય કંઈ બન્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. વલ્લભના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

(6:40 PM IST)