તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Saturday, 13th September 2025
માતા એસિડ પી જતાં પિતા સાથે હોસ્પિટલે આવેલા બે માસુમ બાળકોને અકસ્માત નડયોઃ ૩ વર્ષના વીર ઉર્ફ કોકોનું મોત
અટલ સરોવર નજીક રહેતાં રાધેભાઇ પરમારની પત્નિ માલાબેન એસિડ પી જતાં તે મિત્ર સાગર ધોળકીયાની રિક્ષામાં પત્નિ, બે પુત્રોને લઇ સિવિલ હોસ્પિટલે આવ્યો હતોઃ રાતે સાગર બાળકોને લઇ ચા-પાણી લેવા નીકળ્યો ત્યારે સિવિલના ગેઇટ પાસે રિક્ષા ગોથું ખાઇ ગઇ : પોલીસ જેવી ગાડીમાંથી કોઇએ અવાજ કરતાં ગભરાઇને ભાગવા જતાં અકસ્માત સર્જાયાનું રિક્ષાવાળા સાગરનું કથન

રાજકોટ તા. ૧૩: શહેરના અટલ સરોવર નજીક પરશુરામ મંદિર પાસે રહેતી એક પરિણીતા એસિડ પી જતાં પતિ તેને અને બે માસુમ દિકરાને મિત્રની રિક્ષામાં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. અહિ તેણીને દાખલ કરવામાં આવતાં પતિ તેની દેખરેખમાં હતો. આ વખતે તેના બંને દિકરા મિત્રની રિક્ષામાં સુતા હતાં. રાતે આ મિત્ર ચા-પાણી લેવા રિક્ષા લઇને નીકળ્યો ત્યારે બાળકો રિક્ષામાં સુતેલા હોઇ તે ચા-પાણી લઇ પરત આવતો હતો ત્યારે સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે રિક્ષા રેલીંગમાં અથડાઇને ઉંધી વળી જતાં બંને બાળકોને ઇજાઓ થઇ હતી. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર લાઇટ હાઉસ નજીક છાપરામાં રહેતી માલાબેન રાધેભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામની પરિણીતા સાંજે એસિડ પી જતાં તેણીને સારવાર માટે પતિ રાધેભાઇએ પોતાના મિત્ર સાગર પ્રવિણભાઇ ધોળકીયાની રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. રાધેભાઇ સાથે તેના બે પુત્ર વીર ઉર્ફ કોકો (ઉ.વ.૩) અને ઇશાન ઉર્ફ હુથી (ઉ.વ.૨) પણ હતાં. માલાબેન એસિડ પી ગયાના બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી. માલાબેનના પતિ રાધેભાઇ છુટક મજૂરી કરે છે. તેણીએ પોતાનો મગજ ભમતો હોવાથી એસિડ પી લીધાનું રટણ કર્યુ હતું.
પતિ રાધેભાઇ પરમાર પત્નિ દાખલ હોઇ તેની દેખરેખમાં હતો. ત્યારે તેના બે દિકરા વીર ઉર્ફ કોકો અને ઇશાન ઉર્ફ હોથી બહાર રાધેભાઇના મિત્ર સાગરની રિક્ષામાં સુતા હતાં. રાતે બાર સવાબારે સાગર પોતે ચા-પાણી લેવા રિક્ષા લઇને સિવિલ હોસ્પિટલમાંથી નીકળ્યો હતો. આ વખતે તેના મિત્ર રાધેભાઇના બંને બાળકો રિક્ષામાં જ સુતા હતાં. તે પરત હોસ્પિટલે આવતો હતો ત્યારે હોસ્પિટલના ગેઇટ પાસે જ રિક્ષા રેલીંગમાં ભટકાઇ પલ્ટી મારી જતાં તેને નજીવી ઇજા થઇ હતી. પણ બંને બાળકો કોકો અને હુથીને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં વીર ઉર્ફ કોકોને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન બપોરે વીર ઉર્ફ કોકોનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બાળક બે ભાઇમાં મોટો હતો.
રિક્ષાચાલક સાગર ધોળકીયાએ એવુ રટણ કર્યુ હતું કે પોતે રિક્ષા હંકારી ચા-પાણી પીને પરત સિવિલ હોસ્પિટલે આવતો હતો ત્યારે પોલીસ જેવી ગાડી રસ્તામાં હોઇ પોતાને બૂમ પાડી ઉભા રહેવા કહેતાં પોતે ડરી જતાં રિક્ષા ભગાવી હતી આ વખતે હોસ્પિટલના ગેઇટમાં વળાંક લેતાં કાબુ ગુમાવતાં રેલીંગમાં ભટકાઇને રિક્ષા પલ્ટી મારી જતાં રિક્ષાનો પણ બૂકડો બોલી ગયો હતો. પ્ર.નગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
(3:36 PM IST)










