તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 12th September 2025
રેસકોર્ષ મેદાનમાં રવિવારે મેગા મ્યુઝિકલ શો ‘નમોત્સવ'
એન.જી.ઓ. ફેડરેશન દ્વારા નિઃશુલ્ક આયોજન : ૧૫૦ કલાકારો એક મંચ પર : ગીત સંગીત અને નાટયશૈલીનો જામશે સમન્વય

રાજકોટ તા. ૧૨ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં એન.જી.ઓ. ફેડરેશન દ્વારા રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે ‘નમોત્સવ' શીર્ષક સાથે મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોનું જબરદસ્ત આયોજન કરાયુ છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા ‘ન ભુતો ન ભવિષ્યતી'નો અહેસાસ કરે તેવો અવિસ્મરણીય કાર્યક્રમ આપવા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે.
ગુજરાતના પનોતા પુત્ર, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના બાળપણથી લઇ ૭૫ વર્ષ સુધીની સંઘર્ષગાથા અને યશો ગાથા ગીત સંગીત અને નાટયશૈલીના માધ્યમથી પ્રદર્શીત કરાશે. આ માટે ૧૫૦ કલાકારો એક સાથે મંચ પર આવી જીવંત પ્રસ્તુતી કરશે.
આ કાર્યક્રમ અવિસ્મરણીય બની રહે તે માટે જાણીતા હાસ્ય કલાકાર શ્રી સાંઇરામ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રના કલાકારો અને તેમની ટીમો જહેમત ઉઠાવી રહી છે. અદ્દભુત પાત્રો સાથે દૈદીપ્યમાન કૌશલ્યના દર્શન થશે. ગીત સંગીત અને નાટયશૈલીનો સમન્વય જામશે. રેસકોર્ષ મેદાન ખાતે તા. ૧૪ના રવિવારે સાંજે ૭ વાગ્યાથી પ્રારંભ થનાર આ ‘નમોત્સવ' કાર્યક્રમમાં સૌને વિનામુલ્યે પ્રવેશ અપાશે. વધુને વધુ લોકોએ કાર્યક્રમ માણવા એન.જી.ઓ. ફેડરેશનના ગુણુભાઇ ડેલાવાળા, જયેશ ઉપાધ્યાય, અનુપમ દોશી અને અવધેશ કાનગડ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. (૧૬.૪)
(3:39 PM IST)










