<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મોરબી રોડ જકાતનાકે બાઇકને પાછળથી ડમ્‍પરે ઉલાળતાં પિતા-પુત્ર ફંગોળાયાઃ સાત વર્ષના પુત્ર જગદીશનું મોત

લાલપરીના જયસુખભાઇ માથાવડીયા દિકરાને તાવ-શરદી હોઇ દવાખાને લઇ જતો હતોઃ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતોઃ પરિવારમાં શોકની કાલીમા

ઘટના સ્‍થળે ડમ્‍પર અને નીચે ફસાયેલુ બાઇક, સાત વર્ષના જગદીશનો નિષ્‍પ્રાણ દેહ, ફાઇલ ફોટો, વિલાપ કરતાં માતા સહિતના સ્‍વજનો અને બચી ગયેલા જગદીશના પિતા જયસુખ માથાવડીયા જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે ઉભેલા બાઇકને પાછળથી ડમ્‍પરે ઠોકરે ચડાવતાં બાઇકચાલક યુવાન અને તેનો સાત વર્ષનો દિકરો ફેંકાઇ ગયા હતાં. જેમાં સાત વર્ષના દિકરાના માથા પર વ્‍હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. યુવાન પોતાના આ દિકરાની તબીયત સારી ન હોઇ દવા લેવા માટે દવાખાને જઇ રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ લાલપરીમાં શક્‍તિ સોસાયટી પાછળ રહેતો જયસુખભાઇ માથાવડીયા નામનો યુવાન સવારે તેના દિકરા જગદીશ (ઉ.વ.૭)ને તાવ-શરદી હોઇ તેને બાઇકમાં બેસાડી દવા લેવા જવા નીકળ્‍યો હતો. બંને મોરબી રોડ જકાતનાકા પાસે પહોંચ્‍યા ત્‍યારે આગળ ટ્રાફિક હોઇ પોતાનું વાહન ઉભુ રાખતાં પાછળથી ડમ્‍પરના ચાલકે ઠોકર મારી દીધી હતી. આ કારણે પિતા-પુત્ર બંને બાઇક પરથી ફેંકાઇ ગયા હતાં.

જેમાં દિકરો જગદીશને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને પિતા જયસુખભાઇનો બચાવ થયો હતો. જગદીશને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. જયસુખભાઇ ભંગારનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. મૃત્‍યુ પામનાર જગદીશ માતા-પિતાનો એકનો એક દિકરો અને ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ કરતાં બી-ડિવીઝન પોલીસે ડમ્‍પર ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે ઘટના સ્‍થળે પણ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. સિવિલ હોસ્‍પિટલના પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે જગદીશના માતા સહિતના સ્‍વજનોના આક્રંદથી ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૦)

 

(2:50 PM IST)