<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

આંબેડકરનગરમાં પિતા-પુત્ર-પુત્રીનો સામુહિક આપઘાતનો પ્રયાસઃ વ્‍યાજખોરોનો અનહદ ત્રાસ

નાગજીભાઇ બાબરીયાએ પીજીવીસીએલ ક્‍લાર્ક પુત્ર અને પુત્રી સાથે ફિનાઇલ પીતાં સારવારમાં : બીઝનેસ માટે અલગ અલગ શખ્‍સો પાસેથી ૧૫ થી ૨૦ ટકા લેખે ચાલીસેક લાખ લીધા હતાં: સ્‍યુસાઇડ નોટમાં દસ જેટલા નામો લખ્‍યાઃ નાગજીભાઇએ ચિઠ્ઠીમાં લખ્‍યું-સમાજમાં અમને ક્‍યાંય બેસવા જેવુ ન રહેતાં મરવા મજબૂર થયા છીએઃ ૧૮ મહિનાથી વ્‍યાજખોરો અમને હેરાન કરે છે, વ્‍યાજ-રકમ ચુકવી દીધા છતાં પીછો છોડતા નથીઃ મારા દિકરા, તેના પત્‍નિને પણ સતત ધમકીઓ મળે છેઃ ઘરે આવી ધમકાવે છેઃ અમારા મર્યા પછી આવા લોકોને ફાંસીની સજા કરાવજો

રાજકોટ તા. ૪: વ્‍યાજખોરોના ત્રાસથી આંબેડકરનગરના વૃધ્‍ધે તેમના દિકરા અને દિકરી સાથે મળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. વ્‍યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યાનું જણાવ્‍યું હતું અને સ્‍યુસાઇડ નોટમાં દસેક શખ્‍સોના નામ લખી આક્ષેપો કર્યા છે. વૃધ્‍ધનો દિકરો પીજીવીસીએલમાં ક્‍લાર્ક તરીકે નોકરી કરે છે.

જાણવા મળ્‍યા મુજબ એચ. જે. દોશી હોસ્‍પિટલ નજીક ગુરૂપ્રસાદ ચોક પાસે આંબેડકરનગર-૧૨માં રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં નાગજીભાઇ મનજીભાઇ બાબરીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધ તથા તેમના દિકરા સંજયભાઇ નાગજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૫) અને દિકરી પૂજાબેન નાગજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૦)એ ઘરે ફિનાઇલ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે.

નાગજીભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે અને તેના દિકરા સંજયભાઇ રોણકી સબ ડિવીઝન પીજીવીસીએલમાં ક્‍લાર્ક તરીકે નોકરી કરી છે. આ ત્રણેયએ પોતાને વ્‍યાજખોરોનો ત્રાસ હોવાનો અને ચાલીસેક લાખ દસથી પંદર ટકા લેખે બીઝનેસ માટે લીધા બાદ ફસાઇ ગયાનું કહ્યું હતું.

નાગજીભાઇએ એક સ્‍યુસાઇડ નોટ પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખી છે. તેમાં લખ્‍યું છે કે પઠાણી ઉઘરાણી કરીને ધાકધમકી અપાતી હોવાથી અમે મરવા મજબૂર થયા છેીએ. તેમણે આગળ લખ્‍યું છે કે મારે એક દિકરો અને બે દિકરી છે, અમે સાથે રહીએ છીએ. હું મજુરી કરુ છું. મારો મોટો દિકરો સંજયભાઇ જીઇબીમાં જુનીયર આસીસ્‍ટન્‍ટ તરીકે રોણકી સબ ડીવીઝનમાં નોકરી કરે છે.

મારા દિકરાને નાના મોટા પૈસાની જરૂર હોઇ તેણે અનેક લોકો સાથે કોન્‍ટેક્‍ટ થયો હતો. આથી તે ખંડણીખોર વ્‍યાજખોરોની લપેટમાં આવેલ હોઇ આશરે ૧૮ મહિનાથી વ્‍યાજખોરો મારા દિકરાને તેમજ તેના પત્‍નિને અને મને પરેશાન કરે છે. અમારા સમાજમાં અમારી પ્રતિષ્‍ઠાને હાની પહોંચતી હોઇ ખુબ જ દુઃખ લાગ્‍યું હોઇ અમારા સમાજમાં ક્‍યાંય બેસવા જેવુ ન રહેતાં અમો આપઘાત કરવા મજબૂર થયા છીએ. વ્‍યાજખોર લોકોને એમના પૈસા પરત આપેલ છે, અનેકગણુ વ્‍યાજ આપ્‍યું છે. છતાં અમને શાંતિથી જીવવા દેતા નથી. મારો દિકરો નોકરી ઉપર જાય તો તે લોકો ત્‍યાં જઇને ખુબ હેરાન કરે છે.  અનેક લોકો દ્વારા ફોન કરાવે છે. મારા દિકરાના પત્‍નિને પણ અનેક ગુંડા ફોન કરીને ધાકધમકી આપે છે. દિકરો સાંજે છુટીને ઘરે પણ ડરતા ડરતાં આવે છે. આ પછી પણ આ લોકો ઘરે આવીને બેસી જાય છે. આ સાહેબને મારી વિનંતી છે કે અમારા મર્યા પછી આવા ગુંડાઓને અસામાજી લોકોને ફાસીની સજા કરવામાં આવે, નહિતર આવા લોકો અનેક નિર્દોષ લોકોનો જીવ લેશે. હું આપ સાહેબને વિનંતી કરુ છું કે મને ન્‍યાય  ન મળ્‍યો કંઇ વાંધો નહિ, પણ બીજા લોકોને ન્‍યાય મળે તેવી હું અપેક્ષા રાખુ છું.

ચિઠ્ઠીમાં આરોપી એવો શબ્‍દ લખી ૧૦ નામો લખ્‍યા છે. જેમાં જયદેવ, ભુવનેશ, દેવશી, જીગર, ચેતન, પ્રદિપ, કિશન, ધ્રુવ, આનંદ અને મોહિતના નામો છે, સાથે તેના મોબાઇલ નંબર પણ લખ્‍યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

(4:08 PM IST)