News of Wednesday, 3rd September 2025
ગોંડલ રોડ પર વાહન અડી જતાં ડખ્ખોઃ નામીચા ઇભલા અને તેના બે ભાઇ સહિત ૪નો છરી-તાવીથાથી હુમલો : ૩ પકડાયા
વાહન અડી જવા મામલે લોધેશ્વર સોસાયટીના બે ભાઇઓ પર હુમલો કર્યો હતો : રવિ ઝરીયા અને આકાશને માર માર્યો હતોઃ રવિના ભાઇ જયદિપ ઝરીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યોઃ માથાકુટનો વિડીયો વાયરલ થયો હતોઃ અનેક ગુનાઓમાં સામેલ ઇભલાની શોધઃ તેના બે ભાઇ સહિત ત્રણને એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે પકડી લીધા

રાજકોટ તા. ૩: શહેરના ગોંડલ રોડ પર રાજ પાઉભાજી પાસે વાહન અડી જવા મામલે માથાકુટ થતાં બે શખ્સે લોધેશ્વર સોસાયટીમાં રહેતાં બે પિત્રાઇ પરને ગાળો દઇ છરીના હાથાથી માર મારી તેમજ તાવીથાથી માર મારતાં આ બનાવમાં એ-ડિવીઝન પોલીસ લોધેશ્વર સોસાયટી-૨/૭ના ખુણે મહાદેવ મંદિર સામે રહેતાં જયદિપ ભીખુભાઇ ઝરીયા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. મારામારીની આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. એ-ડિવીઝન પોલીસે તપાસ કરતાં આ હુમલો નામીચા શખ્સ ઇભલા અને તેના બે ભાઇઓ સહિત ૪ જણાએ કર્યાનું ખુલતાં ત્રણને પકડી લેવાયા છે, ઇભલાની શોધખોળ થઇ રહી છે.
જયદિપ ઝરીયા છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે મંગળવારે રાતે દસેક વાગ્યે મારા મોટા ભાઇ રવિભાઇનો મને ફોન આવ્યો હતો અને ફોનમાં કહ્યું હતું કે-હું અને કાકાનો દિકરો આકાશ બંને એક્ેસેસ લઇને જતા હતાં ત્યારે મક્કમ ચોક પાસે અજાણ્યા બાઇક ચાલક સાથે વાહન અથડાતાં તે અમારી સાથે ઝઘડો કરે છે જેથી તું રાજ પાઉભાજી પાસે તાત્કાલીક આવ. આથી હું મારા ઘરેથી ગોંડલ રોડ રાજ પાઉભાજી પાસે પહોંચ્યો હતો. ત્યાં જતાં બે ત્રણ અજાણ્યા શખ્સો મારા મોટા ભાઇ રવિભાઇને માર મારતાં હતાં. એકાદ શખ્સ ત્યાં સાથે હતો.
આ શખ્સો છરીના હાથાથી મારા ભાઇને માથા, પીઠના ભાગે મુંઢ ઘા મારતાં હોઇ હું તેને છોડવવા વચ્ચે પડયો હતો. આ વખતે એક અજાણ્યા શખ્સે નજીકમાંથી ક્યાંકથી તાવીથો લાવ્યો હતો અને મારા કાકાના દિકરાને પીઠ પાછળ ફટકારી ઇજા પહોંચાડી હતી. આ પછી તેણે મારા ભાઇને અને કાકાના દિકરાને એમ બંનેને તાવીથાથી ફટકાર્યા હતાં. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં આ શખ્સ ગાળો દેવા માંડયો હતો. હું વચ્ચે પડતાં મને પણ ગાળો દીધી હતી. લોકો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં મારા ભાઇ રવિભાઇને હોસ્પિટલે લઇ ગયા હતાં. જ્યાં તેણે પ્રાથમિક સારવાર લીધી હતી. વાહન અથડાવા બાબતે મારા ભાઇ અને કાકાના દિકરા સાથે અજાણ્યા શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી તેમજ તાવીથાથી માર માર્યો હતો.
એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. એન. બી. શિયાળે ગુનો દાખલ કર્યો હતો. ડી. સ્ટાફ પીએસઆઇ રાણા અને સ્ટાફે મોરબી રોડ પર રહેતાં અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયાના બે ભાઇઓ ફિરોઝ કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.૨૦), સલિમ કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.૨૬) અને પરેશ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૧૯)ની ધરપકડ કરી છે. ઇભલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ઇભલાને પ્ર.નગર પોલીસ તેમજ એલસીબી ઝોન-૧ ટીમે તીનપત્તીના જુગારમાં પકડયો હતો. હવે ફરી મારામારીમાં તેનું નામ ખુલ્યું છે. (૧૪.૧૦)
(2:58 PM IST)










