<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ટ્રેકટરની લોનનો છેલ્લો હપ્‍તો ન ભરી શકતાં રૈયાધારના પ્રવિણે ઝેર પીધું

કામધંધાના ટેન્‍શનમાં રૈયાના ઇરફાને અટલ સરોવર પાસે દવા પીધીઃ પોપટપરાના કરણભાઇએ માનસિક બિમારીને કારણે મોચીબજારમાં ઝેર પીધું

રાજકોટ તા. ૨૧: રૈયાધાર ચાર માળીયા ક્‍વાર્ટરમાં રહેતાં પ્રવિણ ભીખાભાઇ ખરેત-વણઝારા (ઉ.વ.૨૨) નામના યુવાને રાતે અગીયારેક વાગ્‍યે રામાપીર ચોકડી ઓવર બ્રીજ નીચે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પ્રવિણ બે બહેન અને પાંચ ભાઇમાં મોટો છે અને ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. પ્રવિણના સગાએ કહ્યું હતું કે પ્રવિણે ગોંડલથી લોન પર ટ્રેકટર લીધુ છે. તેનો છેલ્લો ત્રીસ હજારનો હપ્‍તો હાલમાં ભરવાનો હતો. પણ કામમાં મંદી હોઇ લોનનો હપ્‍તો ભરવાની રકમ એકઠી થઇ ન હોઇ ટેન્‍શનમાં આવી આ પગલુ ભર્યુ હતું.

બીજા બનાવમાં રૈયા સ્‍મશાન પાસે રહેતાં ઇરફાન અબ્‍દુલભાઇ પટેલ (ઉ.વ.૩૮) નામના યુવાને રાતે અગીયારેક વાગ્‍યે અટલ સરોવર પાસે ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. ઇરફાન છુટક કામ કરે છે. સંતાનમાં એક દિકરો, એક દિકરી છે. સગાના કહેવા મુજબ હાલમાં કામધંધાનું ટેન્‍શન હોઇ તેના કારણે આ પગલુ ભર્યુ હતું. સારવાર બાદ રજા અપાઇ હતી.

ત્રીજા બનાવમાં પોપટપરા-૩માં રહેતાં કરણભાઇ લીંબાભાઇ ટારીયા (ઉ.વ.૪૫)એ સાંજે ઘરથી નીકળી જઇ મોચી બજાર ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટર પાસે ઝેર પી લેતાં કોઇ પરિચીત જોઇ જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી અને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. તે બે ભાઇ અને ચાર બહેનમાં નાના છે. સંતાનમાં એક દિકરી, બે દિકરા છે. ત્રણેક વર્ષથી માનસિક બિમારી હોઇ તેનાથી કંટાળીને પગલુ ભર્યાનું સગાએ કહ્યુ઼ હતું. એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. 

(3:11 PM IST)