<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સ્‍વીમિંગ કરતી વખતે હૃદય બેસી જતાં આરટીઓના નિવૃત ક્‍લાર્ક ૭૦ વર્ષિય હસમુખભાઇ મહેતાનું મૃત્‍યુ

કાલાવડ રોડ પરના મહર્ષિ દયાનંદ સ્‍વીમિંગ પૂલમાં બનાવથી અરેરાટી : અગાઉ તેઓ આર્મીમાંથી નિવૃત થયા હતાં: કીડવાઇનગર પાસે સરકારી કર્મચારી સોસાયટીના પ્રમુખ પણ હતાં: સત્તર વર્ષથી સ્‍વીમિંગમાં જતાં હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: શહેરમાં હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની વધુ એક ઘટના બની છે. જેમાં ૧૫૦ રીંગ રોડ કીડવાઇનગર પાસે સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતાં આરટીઓના નિવૃત ક્‍લાર્ક હસમુખભાઇ વૃજલાલભાઇ મહેતા (ઉ.વ.૭૦) કાલાવડ રોડ પર આવેલા મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ સ્‍વીમિંગ પૂલમાં સ્‍વીમિંગ કરી રહ્યા હતાં ત્‍યારે હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ સરકારી કર્મચારી સોસાયટી-૧માં રહેતાં હસમુખભાઇ મહેતા રવિવારે સવારે સ્‍વીમિંગ પૂલમાં સ્‍વીમિંગ કરી રહ્યા હતાં ત્‍યારે જ છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં સ્‍વીમિંગ બંધ કરી ઉભા રહી ગયા હતાં. બીજા લોકો પણ પૂલમાં હાજર હોઇ તુરત જ હસમુખભાઇને બહાર કાઢી તત્‍કાળ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવા તજવીજ કરી હતી અને સગાને જાણ કરી હતી. જો કે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન તેમને તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર હસમુખભાઇ મહેતા અગાઉ આર્મીમાંથી નિવૃત થયા હતાં અને બાદમાં આરટીઓમાં ક્‍લાર્ક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત જીવન જીવતા હતાં. તેઓ છેલ્લા સત્તર વર્ષથી નિયમીત સ્‍વીમિંગ પૂલમાં સ્‍વીમિંગ માટે જતાં હતાં. તે ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતાં અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. તેઓ સરકારી કર્મચારી સોસાયટીના પ્રમુખપદે પણ સેવા આપતાં હતાં. બનાવથી સોસાયટીમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૩)

 

(2:41 PM IST)