<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ઓરિસ્‍સાના સુધીરની પથ્‍થરથી માથુ છુંદી હત્‍યાની ઘટનામાં શકમંદોની પુછતાછ

હત્‍યા પહેલા સુધીર દારૂ લેવા ગયો ત્‍યારે એમપી તરફના બે શખ્‍સો સાથે માથાકુટ થઇ હતીઃ સીસીટીવીમાં પણ બે શખ્‍સ દેખાયા

રાજકોટ તા. ૫: શહરેના થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના મીરા ઉદ્યોગ સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાંથી ગઇકાલે પથ્‍થરથી માથું છુંદી હત્‍યા કરાયેલી યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન ઓરીસ્‍સાનો વતની અને વર્ષોથી રાજકોટ નાડોદાનગરમાં ભાડેથી ઓરડીમાં રહી લાદી ઘસવાની મજૂરી કરતો સુધીર ચોમારૂ સુના (ઉ.વ.૩૫) હોવાની ઓળખ થઇ હતી. થોરાળા પોલીસે તેના ભાઇ રોમેશ સુના કે જે કિરણ સોસાયટીમાં રહે છે તેની ફરિયાદ નોંધી હત્‍યાનો ભેદ ઉકેલવા બે ત્રણ શકમંદને ઉઠાવી પુછતાછ શરૂ કરી છે.

હત્‍યા કરાયેલી લાશ મળ્‍યા બાદ પોલીસે તપાસ શરૂ કરતાં અને સીસીટીવી કેમેરા ચેક કરતાં મહત્‍વની કડી મળી હતી. જેમાં હત્‍યાનો ભોગ બનનાર સુધીર હત્‍યા થઇ એ પહેલા જંગલેશ્વર તરફ દારૂ પીવા ગયો ત્‍યારે અજાણ્‍યા બે શખ્‍સો સાથે બોલાચાલી થતાં સુધીરે બંનેને ગાળો દઇ લાફો મારી દીધો હતો. બાદમાં બધા છુટા પડયા હતાં. આ બે શખ્‍સોની પોલીસે પુછતાછ શરૂ કરી હતી. બીજી તરફ સીસીટીવી કેમેરા ચેક કરતાં સુધીર હત્‍યા જ્‍યાં થઇ એ પટ તરફ જાય છે ત્‍યારે અન્‍ય બે શખ્‍સ પણ તેની આસપાસ ચાલતા જોવા મળ્‍યા હતાં. આ શખ્‍સો અંગે પણ તપાસ થઇ રહી છે. પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ડી. સ્‍ટાફની ટીમ ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે. દારૂના ડખ્‍ખામાં હત્‍યા થઇ? કે પછી અન્‍ય કોઇ ઇરાદે? તે હાલ બહાર આવ્‍યું નથી.

(3:40 PM IST)