<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ભાવેશભાઇ વ્‍યાસને શ્વેતાએ પકડી રાખ્‍યા અને ધ્રુવ, જેનીશ, બાઠીયાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા

રાજકોટમાં સતત બીજી હત્‍યાઃ કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં ધર્મની બહેનના ઝઘડામાં વચ્‍ચે પડતાં મુળ પારડીના ટ્રક ડ્રાઇવર યુવાને જીવ ગુમાવ્‍યોઃ રાતોરાત ૪ આરોપી સકંજામાં : વર્ષાબેન દાતી પોતાના રૂમમાં ધર્મના માનેલા ભાઇ ભાવેશભાઇ સાથે બેઠી હતી ત્‍યારે દિકરા ધ્રુવ ઉર્ફ ઘુઘાએ આવી ‘જયલો ક્‍યાં છે?' એવુ પુછી માતા સાથે ઝઘડો ચાલુ કર્યોઃ જેમાં ભાવેશભાઇ વચ્‍ચે પડતાં શ્વેતાએ પકડયા અને ધ્રુવ, જેનીશ, બાઠીયાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધાઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, લક્ષમણભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યોઃ ક્રાઇમ બ્રાંચ, આજીડેમની ટીમે રાતોરાત પકડી લીધા

હત્‍યાનો ભોગ બનેલા ભાવેશભાઇ વ્‍યાસનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોન, બાજુમાં ધર્મના માનેલા બહેન વર્ષાબેન દાતી તથા એની બાજુમાં ભાવેશભાઇનો દિકરો, પત્‍નિ અને નાનો દિકરો જોઇ શકાય છે

રાજકોટ તા. ૫: શહેરમાં ગઇકાલે બબ્‍બે હત્‍યાની ઘટના બની ગઇ હતી. સવારે મીરા ઉદ્યોગનગરમાં ઓરીસ્‍સાના યુવાનને પથ્‍થરના ઘા ફટકારી પતાવી દેવાયો હતો. તો બીજી તરફ સાંજે કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં મુળ પારડીના અને હાલ કોઠારીયા રોડ સેલીબ્રેશન પાર્ટી પ્‍લોટ સામે ઇશ્વરપાર્ક ખોડલધામ-૧માં રહેતાં ભાવેશભાઇ કરૂણાશંકર વ્‍યાસ (ઉ.વ.૩૮) નામના યુવાનને તેની ધર્મની માનેલી બહેન વર્ષાબેન ગોપાલભાઇ દાંતીના ઘરે હતો ત્‍યારે આ બહેન સાથે તેનો દિકરો ધ્રુવ માથાકુટ કરવા આવતાં ભાવેશભાઇ વચ્‍ચે પડતાં તેને પતાવી દેવાયા હતાં. પોલીસે ચાર આરોપીઓને રાતોરાત પકડી લીધા હતાં. ભાવેશભાઇને શ્વેતા નામની યુવતિએ પકડી રાખ્‍યા હતાં અને ધ્રુવ, કોૈશલ અને જેનીશે છરીના ઘા માર્યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મુળ પારડીના ભાવેશભાઇ વ્‍યાસ સાંજે શિતળાધાર ૨૫ વારીયામાં પોતાની ધર્મની બહેન વર્ષાબેન દાતીના ઘરે હતાં ત્‍યારે વર્ષાબેનના દિકરા ધ્રુવ મુકેશભાઇ દુધરેજીયા, શ્વેતા દીપસિંગ ગોહેલ, જેનીશ રજપૂત અને કોૈશલ ઉર્ફ બાઠીયો સાધુએ છરીથી હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હારૂનભાઇ ચાનીયા, લક્ષમણભાઇ મકવાણા સહિતની ટીમે ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલે  પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસે હત્‍યાનો ભોગ બનેલા ભાવેશભાઇ વ્‍યાસના પત્‍નિ સગુણાબેન વ્‍યાસ (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ઇન્‍દીરાનગરમાં રહેતાં ધ્રુવ ઉર્ફ ઘુઘો મુકેશભાઇ દુધરેજીયા, ભગવતીપરાની શ્વેતા દિપસિંગ ગોહેલ, ઇન્‍દિરાનગરના જેનીશ ઉર્ફ જેનીયો ઘનશ્‍યામભાઇ વણોલ અને ગુંદાવાડી રામજી મંદિર પાસે રહેતાં કોૈશલ ઉર્ફ બાઠીયો સાધુ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૩ (૧), ૩૫૨, ૫૪, ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો ગુનો નોંધ્‍યો હતો. હરકતમાં આવેલી ક્રાઇમ બ્રાંચની ટીમે રાતોરાત આ ચારેયને સકંજામાં લઇ આજીડેમ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

સગુણાબેને હત્‍યાની ઘટનામાં વિગતો આપતાં જણાવ્‍યું હતું કે હું મારા દિકરાઓ દર્શન, યશ, પતિ ભાવેશભાઇ સાથે રહુ છું. મારા પતિ ભાવેશભાઇ સાથે મેં આઠ વર્ષ પહેલા કોર્ટમેરેજ કર્યા છે. અગાઉ મારા લગ્ન નવયુગપરાના ભરતભાઇ ચોૈહાણ સાથે થયા હતાં. તેના થકી જ આ બે દિકરાનો જન્‍મ થયો હતો. ભરત સાથે મનમેળ ન થતાં છુટાછેડા લીધા બાદ ભાવેશભાઇ સાથે લગ્ન કર્યા હતાં. ભાવેશભાઇ છુટક ટ્રક ડ્રાઇવીંગ કરતાં હતાં. કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં રહેતાં  વર્ષાબેન દાતીએ મારા પતિ ભાવેશભાઇને ધર્મના ભાઇ બનાવ્‍યા હોઇ જેથી મારા પતિ વારંવાર તેના ઘરે બેસવા જતા હતાં. સોમવારે  બપોર બાદ જમીને મારા પતિ વર્ષાબેનના ઘરે ગયા હતાં અને હું તથા મારા દિકરા ઘરે હતાં.

બાદમાં સાંજે મને  વર્ષાબેને ફોન કરી જાણ કરી હતી કે ભાવેશભાઇને મારા ઘર પાસે ઝઘડો થયો છે અને લાગી ગયું છે. જેથી  હું મારો દિકરો સહિતના વર્ષાબેનના ઘરે જતાં ઓરડીમાં મારા પતિ લોહીલુહાણ પડેલા હતાં. ૧૦૮ આવતાં તેમાં મારા પતિને અમે સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. પરંતુ અહિ ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. મેં આ બનાવ બાબતે વર્ષાબેનને પુછતાં વર્ષાબેને કહેલુ કે-હું અને ભાવેશભાઇ મારા ઘરમાં બેઠા હતાં ત્‍યારે મારો દિકરો ધ્રુવ ઉર્ફ ઘુઘો, તેના મિત્રો જેનીશ ઉર્ફ જેનીયો, શ્વેતા ગોહેલ અને કોૈશલ બાઠીયો આવ્‍યા હતાં. મારા દિકરા ધ્રુવે મારી સાથે ઝઘડો કરવાના ઇરાદે જ એવુ પુછ્‍યું હતું કે જયલો રજપૂત ક્‍યાં છે? જેથી મેં કહેલુ કે મને એની ખબર નથી. આથી મારો દિકરો ધ્રુવ મારી સાથે માથાકુટ કરવા માંડયો હતો. તે ગાળો દેતો હોઇ મારા ધર્મના ભાઇ ભાવેશભાઇ તેને સમજાવવા વચ્‍ચે પડતાં શ્વેતાએ ભાવેશભાઇને પકડી લીધા હતાં.

બાદમાં મારા દિકરા ધ્રુવ, તેના મિત્રો જેનીશ અને કોૈશલ બાઠીયાએ ભાવેશભાઇને છરીના એક એક ઘા મારી દેતાં આંતરડા નીકળી ગયા હતાં અને તે પડી ગયા હતાં.  દેકારો થતાં આ ચારેય ભાગી ગયા હતાં. તેમ વધુમાં વર્ષાબેન દાતીએ કહ્યું હતું. હત્‍યાની ઘટનાને પગલે ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ અને ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. મોડી રાતે ક્રાઇમ બ્રાંચે ચારેય આરોપીઓને દબોચી લીધા હતાં.

પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે વર્ષાબેન દાતીએ જણાવ્‍યું હતું કે મારો દિકરો ધ્રુવ ભગવતીપરાની શ્વેતા નામની છોકરી સાથે ફરતો હોઇ મેં તેને તેની સાથે સંબંધ રાખવાની ના પાડતાં તે ઉશ્‍કેરાઇને મારા ઘરે ઝઘડો કરવા આવ્‍યો હતો. જેમાં મારા ધર્મના ભાઇ ભાવેશભાઇ વચ્‍ચે પડતાં તેની સાથે ઝઘડો કરી શ્વેતાએ તેને પકડી રાખી બાકીના ત્રણે છરીના ઘા મારી દીધા હતાં. ઝડપાયેલા આરોપીઓની પોલીસ વિશેષ પુછપરછ કરી ખરેખર હત્‍યા કયા કારણોસર થઇ તે જાણવા તજવીજ કરશે.  હત્‍યાના આ બનાવથી અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હત્‍યાનો ભોગ બનનાર ભાવેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. (૧૪.૫)

(2:21 PM IST)