<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ભેદી સંજોગોમાં ગુમ થયેલા ફઇ-ભત્રીજી ઇન્‍દોરથી હેમખેમ મળ્‍યા

રેસકોર્ષ નજીકથી છરીની અણીએ અપહરણ થયાની વાત પોલીસને ગળે ઉતરતી નથીઃ ઇન્‍દોર પોલીસનો સામેથી સંપર્ક કર્યો : ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડી રાજકોટ લાવવા રવાના

 

રાજકોટ તા. ૩૧ : ગાંધીગ્રામ  પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની અલ્‍કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રી અને તેની ફઇ પાંચ દિવસથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયા હતા. જે ઇન્‍દોરથી હેમખેમ મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. રેસકોર્ષ નજીકથી છરીની અણીએ અપહરણ થયાની વાત પ્રાથમીક તબક્કે પોલીસને જણાવી છે. પરંતુ આ વાત પોલીસને ગળે ઉતરતી નથી. ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડી બંનેને રાજકોટ લાવવા ઇન્‍દોર પહોંચી છે.

અલ્‍કાપુરીમાં રહેતા રિયાઝભાઇ ફિરોઝભાઇ માખાણીની આઠ વર્ષની પુત્રી અનાયા અને તેમના બહેન રીમાબેન ફિરોઝભાઇ માખાણી ગત તા.૨૪ની રાત્રીના આઠેક વાગ્‍યે ઘરેથી નીકળ્‍યા હતા. રીમાબેન તેમના ભાઇની કાર ચલાવતા હતા અને ભત્રીજીને તેમાં બેસાડી હતી. પુત્રી અનાયા ફઇ રીમાબેન સાથે કારમાં આંટો મારવા ગઇ હશે તેવું પરિવારજનોને લાગ્‍યું હતું, પરંતુ લાંબો સમય વીતવા છતાં ફઇ ભત્રીજી પરત નહીં આવતાં માખાણી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું હતું. ફઇ ભત્રીજી કયાં છે અને શા માટે મોડું થયું ? તે જાણવા પરિવારના સભ્‍યોએ તે દિવસે ફોન કરતાં ફોન લાગ્‍યો હતો, પરંતુ ફોન રિસીવ થયો નહોતો અને ત્‍યારબાદ રીમાબેનનો મોબાઇલ સ્‍વિચ ઓફ થઇ ગયો હતો.

માખાણી પરિવારે પોતાના સંબંધીઓને ત્‍યાં ફોન કરીને અનાયા અને રીમાબેન  અંગેની તપાસ કરી હતી, પરંતુ તમામ સ્‍થળેથી આ બંને અંગે કોઇ માહિતી નહીં મળતાં માખાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. બાદમાં તપાસમાં ક્રાઇમ બ્રાન્‍ચે પણ ઝંપલાવ્‍યું હતું.

બંન્ને ફઇ-ભત્રીજી મધ્‍યપ્રદેશના ઇન્‍દોરથી હેમખેમ મળી આવ્‍યા છે. રાજકોટ લવાયા બાદ સાચુ કારણ બહાર આવશે તેમ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ એમ.આર.ગોંડલીયાએ જણાવ્‍યું હતું.

(3:52 PM IST)