News of Wednesday, 30th July 2025
કેકેવી ચોકમાં દારૂ પીધેલા રિક્ષાચાલકનો ટ્રાફિક હેડકોન્સ્ટેબલ, વોર્ડન, પીસીઆર ઇન્ચાર્જ સાથે બખેડો
ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા રાખી હોઇ સાઇડમાં લેવાનું કહેતાં બોલાચાલી કરી નીકળી ગયો, સાંજે ડમડમ થઇને આવ્યો : તાલુકા પોલીસમાં હેડકોન્સ. દેવેન્દ્રભાઇ અધેરાની ફરિયાદઃ વડવાજડીના સાગર સીંગરખીયાની ધરપકડ

રાજકોટ તા. ૩૦: શહેરના કેકેવી ચોકમાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહેલા ટ્રાફિક શાખાના હેડકોન્સ્ટેબલે એક રિક્ષાચાલકને તને અડચણરૂપ ઉભો હોઇ સાઇડમાં જવાનું કહેતાં બોલાચાલી કરી ત્યાંથી નીકળી ગયા બાદ સાંજે દારૂ પી ફરીથી આવી ટ્રાફિક વોર્ડન અને હેડકોન્સ્ટેબલ સાથે ફરીથી ઝઘડો કરી તું કેમ રિક્ષા ઉભી રાખવા દેતો નથી તેમ કહી ગાળો દેતાં પીસીઆર બોલાવાતાં તેના ઇન્ચાર્જ સાથે પણ માથાકુટ કરતાં તેને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રાફિક શાખાના હેડકોન્સ. દેવેન્દ્રભાઇરઘુભાઇ અઘેરાની ફરિયાદ પરથી રાજકોટના વડવાજડી ગામે મહાદેવના મંદિર પાસે રહેતાં સાગર કેશુભાઇ સીંગરખીયા (ઉ.વ.૩૦) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.
દેવેન્દ્રભાઇ અઘેરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હોઇ વોર્ડન ઉદયભાઇ છગનભાઇ પાટીલ સાથે કેકેવી ચોક ખાતે ફરજમાં હતાં. આ વખતે કેકેવી ચોક મોચીના શો રૂમ પાસે એક રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ ઉભી હોઇ તેના ચાલકને રિક્ષા સાઇડમાં લેવાનું કહેતાં તેણે મારી સાથે બોલાચાલી કરી હતી અને ત્યાંથી નાશી ગયો હતો. બાદમાં સાંજે સાડા સાતથેક વાગ્યે આ શખ્સ દારૂ પીને ફરીથી કેકેવી ચોકમાં આવ્યો હતો અને મારી સાથે ફરજ પર રહેલા વોર્ડન ઉદયભાઇ સાથે બોલાચાલી કરી હતી. જેથી મેં તેને સમજાવતાં તેણે તું કેમ મને અહિ રિક્ષા ઉભી રાખવા દેતો નથી તેમ કહી જેમ તેમ બોલી ગાળો દેતાં અને ઝઘડો કરતાં મેં ૧૦૦ નંબરમાં ફોન કરી પીસીઆર બોલાવી હતી.
પીસીઆરના ઇન્ચાર્જ નિર્મલસિંહ સાથે પણ આ રિક્ષાવાળાએ ઝઘડો કર્યો હતો. બાદમાં આ શખ્સને પકડી લઇ નામ પુછતાં પોતાનું નામ સાગર કેશુભાઇ સીંગરખીયા કહમ્યું હતું. તે નશો કરેલી હાલતમાં હોઇ તાલુકા પોલીસને સોંપી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ વધુમાં હેડકોન્સ. દેવેન્દ્રભાઇએ જણાવતાં એએસઆઇ એન. એલ. ચાવડાએ કાર્યવાહી કરી આરોપીની ધરપકડની તજવીજ કરી હતી. (૧૪.૮)
(2:53 PM IST)










