તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Tuesday, 29th July 2025
હિરાસર એરપોર્ટને કાર્ગો સર્વીસ શરૃ કરવાની આખરે મંજૂરી મળીઃ એરલાઈન કંપનીઓ કાલથી જ શરૃ કરી શકશે
એરપોર્ટ અધીકારીઓની સતાવાર જાહેરાતઃ રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓને અમદાવાદ લાંબા નહી થવું પડે

રાજકોટ, તા.૨૯ઃ હિરાસર એરપોર્ટના અધીકારી સૂત્રોએ જાહેરાત કરી છે કે રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ માટે ખુશીના સમાચાર છે. હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારના એવીએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ગો સર્વિસ શરૃ કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આજે (૨૯ જુલાઈ, ૨૦૨૫) મળેલી આ મંજૂરીથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો ફાયદો થશે. એરલાઈન કંપનીઓ કાલથી જ કાર્ગો સર્વીસ શરૃ કરી શકશે તેમ એરપોર્ટ અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.
હવે વેપારીઓ પોતાનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગે વિદેશ સહિત દેશના અન્ય ભાગોમાં પણ મોકલી શકશે. અત્યાર સુધી રાજકોટના વેપારીઓને હવાઈ કાર્ગો માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે હિરાસર એરપોર્ટ પર જ આ સુવિધા ઉપલબ્ધ થતા સમય અને નાણાં બંનેની બચત થશે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ, ૨૦૨૩માં નવા હિરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ શરૃ થવાની રાહ જોવાઈ રહી હતી. લાંબા સમયની પ્રતિક્ષા બાદ હવે આ સેવા શરૃ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્ગો સર્વિસ જુના ટર્મિનલ બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને નવી ગતિ મળશે તેવી આશા સેવાઇ રહી છે.
કાર્ગો સર્વીસ સંદર્ભે અલગથી સ્ટાફની નિમણૂંક પણ અપાઈ ગઈ છે, કસ્ટમ સ્ટાફ અંગે ટૂંક સમયમાં સતાવાર જાહેરાત થશે. (
(4:05 PM IST)










