News of Thursday, 17th July 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા શરૂ કરવા જીકાસ પ્રશ્ને એનએસયુઆઇની રજુઆત

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાડે ગયેલા વહીવટી પ્રશ્ને આજે એનએસયુઆઇએ કુલપતિ ઉત્પલ જોશીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના નેતૃત્વમાં રજુઆત કરવામાં આવી હતી. એનએસયુઆઇએ યાદીમાં જણાવ્યું કે, ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની અવગણનાનું કામ વર્તમાન ગુજરાત સરકાર કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS લઈ આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થવાને બદલે ખૂબ મોટી હેરાનગતિનો સામનો છેલ્લા બે વર્ષથી કરવો પડી રહ્યો છે. આ પોર્ટલમાં ખૂબ મોટી ખામીઓ છેલ્લા બે વર્ષમાં સામે આવી છે જેમ કે, તેમાં એડમિશન પ્રોસેસમાં ખુબ વાર લાગવી. વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સિટીના વારંવાર ધક્કા ખાવા. એલોટમેન્ટ વાળા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને નવું પોર્ટલ હોવાથી માહિતી લેવા યુનિવર્સિટીમાં જાય તો યુનિવર્સિટીઓ માંથી સંતોષકારક જવાબ મળતો નથી મેરીટના ગોટાળા રજીસ્ટ્રેશનના નામે રૂા. ૩૦૦ ફીની ઉઘરાણી કરી વગેરે.. આવી રીતે વિધાર્થીઓને હેરાન પરેશાન કરી તેમની પાસેથી રૂપિયા ખંખેરી લેવા જેવી ગંભીર બાબતો સામનો છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ દિવસેને દિવસે ખાડે જઈ રહ્યું છે જેમાં પરીક્ષાઓ મોડી લેવી અને પરીક્ષાઓના રીઝલ્ટ મોડા આવવા જાણે એક સામાન્ય બાબત અને એક ફેશન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હાલમાં છેલ્લા બે.વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતની અન્ય સરકારી યુનિવર્સિટીમાં જો પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા લેવામાં આવતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા કારણોસર પીએચડીની પરીક્ષા રદ કરવામાં આવી છે?? માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક ધોરણે પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા શરૂ કરવામાં આવે જેથી સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહે. પ્રસ્તુત તસ્વીર કુલપતિ ઉત્પલ જોશીને રજુઆત કરતા છાત્રો નજરે પડે છે.
(11:39 AM IST)










