તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Wednesday, 9th July 2025
કૈલાશ માનસરોવર યાત્રાના રાજકોટ જિલ્લાના તમામ યાત્રાળુઓ સુરક્ષિત : જિલ્લા વહીવટી તંત્ર યાત્રાળુઓના અવિરત સંપર્કમાં : કોઈને અગવડતા નથી!
ખરાબ હવામાન અને બ્રિજ તૂટવા છતાં યાત્રાળુઓ હેમખેમ કૈલાશ માનસરોવર પહોંચ્યા : ડાર્ચેનથી કાઠમંડુનો સુરક્ષિત રૂટ પસંદ કરાયો : વતન પરત ફરે ત્યાં સુધી તંત્ર સતત સંપર્કમાં રહેશે

રાજકોટ : હાલમાં ચાલી રહેલી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ખરાબ હવામાન, ભારે વરસાદ અને કેટલાક બ્રિજ તૂટવાના બનાવોને કારણે યાત્રાળુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યાપી હતી. જોકે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવતા રાહતના સમાચાર મળ્યા છે. યાત્રાળુઓએ જણાવ્યું છે કે હાલ તેઓ કૈલાશ માનસરોવર ખાતે હેમખેમ પહોંચી ગયા છે અને તેમને કોઈ પણ જાતની અગવડતા નથી, તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, યાત્રાળુઓએ માહિતી આપી છે કે તેઓ પોતાના નિર્ધારિત શિડ્યુલ મુજબ આગળની યાત્રા પૂરી કરશે. તકેદારીના ભાગરૂપે, તેમણે ડાર્ચેનથી સાગા, નયાલામ, જાંગમો, કોદારી અને ત્યારબાદ કાઠમંડુનો સુરક્ષિત રૂટ પસંદ કર્યો છે, અને ત્યાર પછી તેઓ વતન તરફ પરત ફરશે.
જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કૈલાશ માનસરોવર ખાતે ગયેલા રાજકોટ જિલ્લાના તમામ યાત્રીઓ સહી-સલામત છે અને તેઓ ક્યાંય પણ ફસાયા ન હોવાનું તેમણે જણાવેલું છે. તંત્ર આ તમામ યાત્રીઓના સતત સંપર્કમાં છે અને તેઓ વતન પરત ન ફરે ત્યાં સુધી આ સંપર્ક જાળવી રાખવામાં આવશે તેમ પણ યાદીમાં જણાવાયું છે. આ સમાચાર રાજકોટ જિલ્લાના યાત્રાળુઓના પરિવારજનો અને સ્નેહીજનો માટે મોટી રાહત લાવ્યા છે.
(9:26 PM IST)










