<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

જ્ઞાનદીપ વિદ્યાલય ખાતે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી વિષયક વક્‍તૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ : ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : વિજેતાઓને સન્‍માનિત કરાયા

રાજકોટ : ભારત સરકારના યુવા કાર્યો અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા રાજકોટના ગાંધીગ્રામ સ્‍થિત જ્ઞાનદીપ વિદ્યાલય ખાતે ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી વિષયક વક્‍તળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં ૬૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો તેમ એક યાદીમાં જણાવ્‍યું છે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મળ, ‘માય ભારત'ના જિલ્લા યુવા અધિકારી શ્રી સ્‍વરૂપ, માય ભારતના રાજુભાઈ રાઠોડ તેમજ જ્ઞાનદીપ વિદ્યાલયના શ્રી કિશોરસિંહ ચાવડા (પ્રિન્‍સિપાલ), શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા અને નરેન્‍દ્રસિંહ પરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.

મહેમાનો દ્વારા વક્‍તવ્‍ય અને સન્‍માનઃ કાર્યક્રમ દરમિયાન, મહેમાનોના હસ્‍તે વિજેતા સ્‍પર્ધકોને શીલ્‍ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.

અરુણભાઈ નિર્મળએ ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જીના જીવન અને કાર્યો વિશે જણાવ્‍યું કે ડૉ. મુખર્જીનો જન્‍મ ૬ જુલાઈ, ૧૯૦૧ ના રોજ કલકત્તા ખાતે થયો હતો અને તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવાન વાઇસ ચાન્‍સેલર બન્‍યા હતા. તેમણે ૧૯૫૧ માં જનસંઘ (આજનું ભારતીય જનતા પાર્ટી - બીજેપી) ની સ્‍થાપના કરી હતી અને ‘એક દેશ, એક બંધારણ' ના સ્‍વપ્‍નને સાકાર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ૧૯૫૩ માં કાશ્‍મીરમાં પ્રવેશ કરતી વખતે તેમની ધરપકડ થઈ હતી અને ૨૩ જૂન, ૧૯૫૩ના રોજ તેમનું અવસાન થયું હતું.

શ્રી સ્‍વરૂપએ ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અને કલમ ૩૭૦ નાબૂદીમાં તેમના યોગદાનને યાદ કરતા જણાવ્‍યું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના સંકલ્‍પને પૂર્ણ કરીને કલમ ૩૭૦ સમાપ્ત કરી છે.

શાળાના પ્રિન્‍સિપાલ નરેન્‍દ્રસિંહ ચાવડા અને અન્‍ય ઉપસ્‍થિત મહેમાનોએ ડૉ. મુખર્જીના રાજકીય સફર અને રાષ્‍ટ્રસેવાની વાતો વાગોળીને સૌને રાષ્‍ટ્રસેવા કરવા પ્રેરણા આપી.

શ્રી રાજેશભાઈ રાઠોડ (નેહરુ યુવા કેન્‍દ્ર, ભારત સરકાર) એ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા દેશભરમાં યુવાનો માટે આયોજિત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી, જેનો હેતુ યુવાનોને સશક્‍ત અને સુખી જીવન જીવવા માટે માર્ગદર્શન આપવાનો છે.

આ કાર્યક્રમનું સંચાલન નરેન્‍દ્રસિંહ પરમાર એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યશ રાઠોડ (નેહરુ યુવા કેન્‍દ્રના સ્‍વયંસેવક), દર્શના પરમાર, તેમજ શાળાના પ્રિન્‍સિપાલ અને કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.

(4:29 PM IST)