તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 24th June 2025
ઘંટેશ્વર પાસે ‘હિટ એન્ડ રન'ની ઘટનાઃ પરાપીપળીયાના રાજુભાઇ રાઠોડનું મોત
જુના કપડાના ધંધાર્થી ન્હાવા જવા માટે રસ્તો ઓળંગતા હતાં ત્યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૨૪: શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પરાપીપળીયા ફાટક પાસે રહેતાં આધેડનું મોત થયું છે. તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પરાપીપળીયા ફાટક પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં અને જુના કપડા વેંચી ગુજરાન ચલાવતાં રાજુભાઇ ચંદુભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) બપોરે ઘંટેશ્વર નજીક જલારામ હોટેલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તતેમનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
રાજુભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. પોતે મુળ બોટાદના રાણપુરના વતની હતાં અને હાલ રાજકોટ રહેતાં હતાં. બપોરે ન્હાવા જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કારચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
(3:32 PM IST)










