તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 23rd June 2025
૧૬.૬૭ લાખના ફ્રોડમાં વડોદરાના ઇફતીકારઅલી ઝડપાયોઃ બોગસ પેઢીના કરન્ટ એકાઉન્ટનો ૪૫ ફ્રોડમાં ઉપયોગ
ગણેશનગરના રણજિતભાઇ સાથે શેરબજારમાં કમાણીના નામે ૧૬.૬૭ લાખની ઠગાઇ થઇ હતી : શહેર સાયબર ક્રાઇમના એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાત, પીએસઆઇ આલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા.૨૩: શહેરના મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતા યુવક સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ.૧૬.૬૭ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે ભેદ ઉકેલી વડોદરા મહાબલીપુરમ ગેઇટ-૨ જે. પી. પોલીસ ચોકી નજીક ચૈતાલી એપાર્ટમેન્ટમાં રહેતાં ઇફતીકારઅલી શબ્બીરઅલી સૈયદ (ઉ.વ.૩૯)ને ઝડપી લઇ સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.
ગણેશનગરમાં રહેતા રણજિતભાઇ રૂડાભાઇ સોલંકી (ઉ.વ.૪૩)એ તા.૧૧ જૂનના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રણજિતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૩ એપ્રિલના તેના ઇન્સ્ટાગ્રામમાં એક જાહેરાત જોવા મળી હતી જેમાં શેરબજારની ટીપ્સ મેળવી સારું રિટર્ન મેળવો તેવું દર્શાવાયું હતુ જે લિંક ઓપન કરતાં જ રણજિતભાઇને ફોન આવ્યો હતો અને ફોન કરનારે અલગ અલગ વાતો કરી રણજિતભાઇને વિશ્વાસમાં લીધા હતા. આ પછી રણજિતભાઇએ રૂ.૪ લાખ ચોક્કસ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ કટકે કટકે મળી કુલ રૂ.૧૬.૬૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા
આ પછી એપના ખાતામાં રણજિતભાઇના નામે નફા સહિત કુલ રૂ.૪૧,૧૫,૩૩૨ દર્શાવતા હતા. તે રકમ ઉપાડવા માટે રણજિતભાઇએ કહેતા સામેની વ્યક્તિએ વધુ રૂ.૪ લાખ બેંક સાથે સેટલમેન્ટના નાખો તેમ કહેતા રણજિતભાઇને શંકા ઊઠી હતી અને તે રકમ વિડ્રો નહીં થતાં પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આ મામલે જે બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ હતી અને જેટલા જેટલા નંબર પરથી ફોન આવ્યા હતા તેના આધારે તપાસ શરૂ કરી હતી. રણજિતભાઇએ સૌ પ્રથમ જે રૂ.૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા તે રકમ વડોદરાના મહાબલીપુરમમાં આવેલા ચૈતાલી એપાર્ટમેન્ટમાં રહેતા ઇફતીકારઅલીના ખાતામાં જમા થયાનું ખૂલતાં તેને ઝડપી લેવાયો હતો.
આરોપીએ એસ.આર. ટ્રેડીંગ નામે બોગસ પેઢી ઉભી કરી હતી અને પેઢીના કરન્ટ બેંક એકાઉન્ટનો ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં ઉપયોગ કરતો હતો. આ બેંક એકાઉન્ટનો અલગ અલગ ૪૫ સાયબર ફ્રોડમાં ઉપયોગ થયાનું ખુલ્યું હતું. પીઆઇ એમ. એ. ઝણકાત, પીએસઆઇ પી. જી. આલ, હેડકોન્સ. હર્ષરાજસિંહ જાડેજા, કોન્સ. દિલીપભાઇ કુમારખાણીયા, ભાવેશભાઇ શીરોડીયા અને ભરતભાઇ ખોડભાયાએ તેને ઝડપી લીધો હતો. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સી. એમ. પટેલના માર્ગદર્શનમાં વિશેષ તપાસ હાથ ધરાઇ છે.
(4:24 PM IST)










