<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પોપટપરામાં પતિ, જેઠ અને સસરાએ દહેજ માટે ત્રાસ આપતાં યુપીની નવોઢા વંદનાએ ઝેર પી જીવ દીધો'તો

લગ્ન બાદ સાસરિયા કહેતાં-તારા બાપે હેશીયત મુજબ દહેજ ન આપતાં અમારા સમાજમાં અમારે નીચા જોવાનું થયું છે! : આઠ મહિના પહેલાના બનાવમાં પિતાએ અલીગઢ પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરીઃ દિકરી મૃત્‍યુ પામી ત્‍યારે અમારી રાહ જોયા વગર અંતિમસંસ્‍કાર કરી પુરાવા સાથે ચેડા કર્યાનો અને દિકરીની હત્‍યા થયાનો પિતાએ આક્ષેપ કર્યો હતો : દિકરીને છેલ્લે સમજાવીને સાસરે મોકલી ત્‍યારે કહેલું કે-જોજો આ વખતે હું જીવતી નહિ આવું, મારા સાસુ-સસરા મારા પતિને બીજે પરણાવવાની વાતો કરે છે

રાજકોટ તા. ૨૧: પોપટપરા શેરી નં. ૧૫ના ખુણે રહેતી વંદના જીતુ નામી પરિણીતાએ ગયા વર્ષે નવેમ્‍બર મહિનામાં ઝેરી દવા પી આઘપાત કરી લીધો હતો. આ કિસ્‍સામાં તેણીના પતિ, જેઠ અને સસરાએ ખોટી માહિતી આપી હોઇ અને પુરાવાનો નાશ કર્યો હોઇ તેણીને દહેજ બાબતે મેણા ટોણા મારી ત્રાસ અપાયો હોઇ મરી જવા માટે મજબૂર થયાનું ખુલતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. દિકરીને તેના પતિ, સસરા, જેઠે કાવતરાના ભાગ રૂપે મારી નાખ્‍યાની અને પુરાવાનો નાશ કરવા લાશની અંતિમવિધી પણ કરી નાંખી હોવાના આક્ષેપો સાથે મૃતકના પિતાએ અલીગઢ પોલીસ અધિક્ષકને કરી હતી. તેના આધારે રાજકોટ પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે ગોવિંદનગર-૩માં રહેતાં શ્રીહરિヘંદ્ર નંદરામની ફરિયાદ પરથી મુળ મથુરા કરારી સુરીરના અને હાલ રાજકોટ રહેતાં તેણીના પતિ જીતુ કિશનલાલ, જેઠ સંજય કિશનલાલ અને સસરા કિશનલાલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. શ્રીહરિヘંદ્ર નંદરામે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારી દિકરી વંદનાના લગ્ન ૧૦/૫/૨૪ના રોજ મથુરાના જીતુ કિશનલાલ સાથે થયા હતાં. લગ્ન પછી મારી દિકરીને  દહેજ મામલે પતિ સાસરિયાએ ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. તેણી લગ્ન બાદ માવતરે આવી ત્‍યારે વાત કરી હતી કે સાસરિયા દહેજ ભુખ્‍યા છે અને કહે છે કે તું ભુખડી બારસ છો, તારા બાપે હેશીયત મુજબ દહેજ આપ્‍યુ નથી, જેના કારણે અમારે અમારા સમાજમાં નીચું જોવા જેવું થયું છે. 

દિકરીએ અમને આ વાત કરી હતી પણ તેનો ઘરસંસાર બગડે નહિ એટલે અમે તેને સમજાવી હતી અને તે ફરી સાસરે ગયા પછી પણ દુઃખ સહન કરતી હતી. પતિ, સાસરિયા સતત તેને દહેજ મામલે ટોર્ચર કરતાં હતાં અને હેરાન પરેશાન કરી મેણા મારતા હતાં. એ પછી પતિ તેણીને લઇ ગુજરાત રાજકોટ રહેવા ગયો હતો. ત્‍યાં બધુ સરખુ થઇ જશે તેમ સમજી અમે તેણીને સાથે મોકલી હતી. દિકરીએ એવુ પણ કહ્યું હતું કે જોજો આ વખતે હું જીવતી પાછી આવીશ નહિ, આ લોકો કાવતરાના ભાગરૂપે મારી હત્‍યા કરી નાંખશે. કારણ કે મારા સાસુ-સસરા મારા પતિના બીજા લગ્ન કરાવવાની વારંવાર ધમકી આપે છે.

દરમિયાન તા. ૧/૧૧/૨૪ના રોજ મારી પુત્રીના જેઠ સંજય કિશનલાલે જાણ કરી હતી કે તમારી દિકરી વંદનાનનું મૃત્‍યુ થઇ ગયું છે. અમે દિકરીની લાશ ગામડે લઇ આવવાનું કહેતાં તેણે ના પાડી દીધી હતી અને અમારી કોઇપણ પ્રકારની રાહ જોયા વગર, સમય આપ્‍યા વગર દિકરીના મૃતદેહના અંતિમસંસ્‍કાર કરી નાંખી પુરાવા સાથે ચેડા કર્યા હતાં. અમે ન્‍યાય મેળવવા સતત દોડધામ કરી હતી. મારી દિકરીની હત્‍યા કરી નાખવામાં આવ્‍યાની અમને પુરી શંકા છે. અમે આર્થિક રીતે પણ ખુબ નબળા છીએ. અમને ન્‍યાય મળે તેવી અમારી અરજ છે. તેમ વધુમાં શ્રીહરિヘંદ્ર નંદરામે લેખિત ફરિયાદ સાથે અલીગઢ પોલીસમાં અરજી આપી હતી. બાદમાં અધિક્ષકને ફરિયાદ આપી હતી. જેના આધારે હવે વંદનાને આપઘાતની ફરજ પાડવાનો ગુનો પ્ર.નગર પોલીસે તેણીના પતિ જીતુ, જેઠ સંજય અને સસરા કિશનલાલ સામે નોંધી તપાસ શરૂ કરી છે.

(4:20 PM IST)