<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન સામે કે. જે. પટેલ હોસ્‍પિટલમાંથી બાળા ગૂમઃ અપહરણનો ગુનો

નવાગામનો યુવાન પેટની સારવાર માટે દાખલ થયો હોઇ દેખરેખમાં પત્‍નિ, માતા અને પંદર વર્ષની દિકરી હતાં: દિકરી પહેલા માળે પાણીની બોટલ ભરવા ગઇ પછી આવી જ નહિ સતત મોબાઇલ જોતી હોઇ ઠપકો પણ અપાયો હતો

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન સામે આવેલી કે. જે. પટેલ હોસ્‍પિટલમાં નવાગામનો યુવાન પેટની સારવાર માટે દાખલ થયો હોઇ અહિ તેની દેખરેખમાં પત્‍નિ, માતા અને સાથે પંદર વર્ષની દિકરી પણ હતી. આ દિકરી હોસ્‍પિટલના પહેલા માળે પાણીની બોટલ ભરવા ગઇ પછી પાછી જ ન આવતાં અને ગૂમ થઇ જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે નવાગામ મામાવીડી મફતીયાપરામાં રહેતાં બાળાના પિતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો છે. ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાને જણાવ્‍યું છે કે  મારે બે દિકરી છે જેમાં એક પંદર વર્ષની છે. ૧૬/૬ના રોજ મને પેટની બિમારી હોઇ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન સામે ઓલી હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. જ્‍યાંમારી પત્‍નિ, માતા, દિકરી મારી સાથે હતાં. ૧૮/૬ના રોજ સવારે નવેક વાગ્‍યે મારી દિકરી સતત મોબાઇલ ફોન જોતી હોઇ જેથીમારા બા તેને ખીજાયા હતાં. આમ છતાંતે ફોન જોતી હતી. તેથી તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. એ પછી તે ફ્રીઝમાંથી પાણીની બોટલ ભરવા ગઇ હતી. હોસ્‍પિટલના પહેલા માળે ફ્રીઝ હોઇ ત્‍યાં ગઇ હતી. પરંતુ મોડે સુધી તે પાીણી ભરીને પાછી ન આવતાં તપાસ કરતાં તે મળી નહોતી. સતત બે દિવસ શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. મારી સગીર દિકરીને કોઇ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની શંકા છે. તેમ વધુમાં તેણે જણાવતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ આર. કે. સામુદ્રેએ તપાસ હાથ ધરી છે.

(4:19 PM IST)