<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

RKC માં સુવિધા-સ્‍ટાન્‍ડર્ડની સરખામણીએ ફીનું ધોરણ વધુ હોવાનો વાલીઓમાં રોષ

ખોટા ખર્ચ ઉધારી ફ઼ંડનો દુરપયોગ, પ્રિન્‍સીપાલ અને સ્‍ટાફને મળતા મહેનતાણા અને સુવિધાઓ અસાધારણ હોવાનો આક્ષેપ

રાજકોટ, તા., ૩: ખ્‍યાતનામ રાજકુમાર કોલેજમાં સુવિધા અને સ્‍ટાન્‍ડર્ડની સરખામણીએ ફીનું ધોરણ ખુબ ઉંચુ હોવાનો અને કોલેજ ટ્રસ્‍ટ દ્વારા ફંડના દુરપયોગ સહિતના આક્ષેપો સાથે ફી રેગ્‍યુલેટરી કમીટી સમક્ષ રાજકુમાર કોલેજ પેરેન્‍ટસ એસોસીએશન દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે રાજકુમાર કોલેજ દ્વારા ખોટા ખર્ચાઓ ઉધારી ખોટા ઓડીટ રીપોર્ટસ તૈયાર કરી વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે મોટી ફી ઉઘરાવાતી હોવાથી  આ મુદ્દે ન્‍યાયીક તપાસ થવી જોઇએ.

ફીનું ધોરણ વધુ છે અને સુવિધાઓ પર્યાપ્ત નથી. શાળાના ફંડનો અયોગ્‍ય ઉપયોગ થાય છે જેમાં પ્રિન્‍સીપાલ અને કેટલાક સ્‍ટાફને મળતું મહેનતાણુ અને સુવિધાઓ અસાધારણ છે. ટ્રસ્‍ટીઓની મીટીંગમાં વ્‍યકિતદીઠ મેળવાતું મહેનતાણું આંખો પહોળી કરી દે તેવું હોવાનું કહેવાય છે. આ માત્ર વ્‍યકિતગત લાભ ગણાય. પ્રિન્‍સીપાલ અવાર નવાર વિદેશ પ્રવાસે રહે છે. જે વ્‍યવસ્‍થાપન અને શૈક્ષણીક માર્ગદર્શનને અસરકર્તા બને છે. શાળાના અસંખ્‍ય વાહનો વ્‍યકિતગત હેતુ માટે ઉપયોગમાં લેવાય છે. વાલીઓના ખિસ્‍સામાંથી વસુલાય છે. શાળાના મેસ એકાઉન્‍ટમાંથી નાણા વ્‍યકિતગત મહેમાનોની સરભરા માટે વપરાય છે. પાઠયપુસ્‍તકો, યુનીફોર્મ, સ્‍ટેશનરી, નાસ્‍તો અને શૈક્ષણીક પ્રવાસો માટે પણ ઉંચી ફી વસુલવામાં આવે છે. એફઆરસીના નિયમ વિરૂધ્‍ધ બધુ ચાલી રહયું છે. શાળામાં અપુરતું ફંડ હોવા છતા વધુ નાણા માટે વાલીઓ પર વધુ ભાર મુકવામાં આવે છે. સૌથી મહત્‍વની બાબત એ છેકે ફી સંશોધન પ્રક્રિયામાં વાલીઓનો કોઇ પણ અવાજ સાંભળવામાં આવતો નથી, વાલીઓને કોઇ બેઠકમાં ચર્ચા માટે સામેલ કરવામાં આવતા નથી. માટે અમારી આ રજુઆતને ધ્‍યાને લઇને યોગ્‍ય પગલા લેવાય તેવી અમારી માંગણી છે તેમ ૩૫ વાલીઓની સહી સાથેના આવેદનપત્રમાં જણાવાયું છે.

(4:10 PM IST)