News of Monday, 19th May 2025
અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ છતા પીડિતોને ન્યાય મળ્યો નથી : કોંગ્રેસ દ્વારા કાલથી ધરણા સહિતના કાર્યક્રમો
મ્યુ.કમિશનરને ઘેરાવ, પત્રિકા વિતરણ, પોલીસ કમિશનરને રજૂઆત, પ્રેસ કોન્ફરન્સ સહિતના આયોજનો

રાજકોટ, તા.૧૯: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદીમાં જણાવેલ કે રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર અગ્નિકાંડની બનેલી ઘટનાને તારીખ ૨૫ મે ૨૦૨૫ ના એક વર્ષ થયું છે અને ન્યાય મળેલ નથી. જે સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલથી ધરણા સહીતના કાર્યક્રમો અપાશે.
કાલે તા.૨૦ના મંગળવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ત્રિકોણબાગે ભેગા થઈને કોર્પોરેશન ચાલીને જઈને ત્યાં ધરણાં અને મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ અને બપોર પછી કોંગ્રેસ પ્રભારીઓ પોતાના વિસ્તારમાં પત્રિકા વિતરણનો કાર્યક્રમ હાથ ધરશે.
તા.૨૧ના બુધવારે સવારે પોલીસ કમિશનરને રજુઆત અને બપોર પછી કોંગ્રેસ પ્રભારીઓ ‘ન્યાય સંકલ્પ રથ' રવાના કરાવી અને તેના ફોટાઓ પોતાના વિસ્તારમાં ફેરવશે.
તા.૨૨ના ગુરુવારે સવારે ૧૧ વાગ્યે વોર્ડના કોંગ્રેસ પ્રભારીઓએ પોતાના વિસ્તારોમાં રીક્ષાઓમાં સ્ટીકર લગાવશે અને એ દિવસે સાંજના અખબારોને પત્રિકા વિતરણ કરશે. તા.૨૩ના શુક્રવારે રીક્ષાના સ્ટીકરના ફોટા પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમ અપાશે. જયારે તા.૨૪ના શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ પક્ષ દ્વારા યોજી દરેક લેવલે જે રજૂઆતે કરી તેનું પરિણામ શું આવ્યુ એની વિગતો અપાશે.
તા. ૨૫ના રવિવારે સાંજે દરેક પ્રભારીઓએ નોંધાવેલા સભ્યોની સંખ્યા સાથે સાંજે ૭:૩૦ વાગ્યે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અપાશે. તેમ અતુલ રાજાણી, પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ અને વશરામભાઈ સાગઠીયા, નેતા શ્રી, વિરોધ પક્ષ, મહાનગરપાલિકાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.(૨૩.૨૩)
(3:42 PM IST)










