<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

નાકરાવાડીમાં ટોળકીએ ઘરમાં ઘુસી આતંક મચાવ્‍યોઃ તોડફોડઃ રાહુલને માથામાં ઇજાઃ તેના પિતા અને પડોશીના પગ ભાંગ્‍યા

આઠ મહિના પહેલા રામાપીરના મેળા વખતે સંજયે ગાળાગાળી કરી હોઇ ભાવસીંગભાઇએ ટપારતાં મનદુઃખ હતું : શુકલ પીપળીયાનો સંજય, બેચર સહિતના આઠ શખ્‍સો અચાનક રાતે ધારીયા-પાઇપ-ધોકા-સોડા બોટલો સાથે ધસી આવ્‍યાઃ ભાવીસીંગભાઇ દંતેસરીયા, તેના પુત્ર રાહુલ ઉર્ફ કડવો અને પડોશી પ્રકાશભાઇ વઢલખીયાને ભાવસીંગભાઇના ભાઇ સમજી ફટકાર્યાઃ બેગુના કુવાડવા પોલીસે નોંધ્‍યો

પડોશી પ્રકાશભાઇની ઓરડી પાછળ બે શખ્‍સ દોડીને છુપાતાં ત્રણ હુમલાખોરો પાછળ આવ્‍યાઃ પ્રકાશભાઇને-તું ભાવસીંગભાઇનો ભાઇ છો ને? તેમ કહી લાકડીના ઘાઃ હાથ-પગમાં ફ્રેકચર : હુમલાખોરોએ ભાવીસીંગભાઇ દંતેસરીયાના ઘરમાં, વાહનમાં તોડફોડ કરી હતી તે દ્રશ્‍ય અને હુમલામાં ઘાયલ ભાવસીંગભાઇ, તેનો પુત્ર રાહુલ ઉર્ફ કડવો અને પડોશી પ્રકાશભાઇ વઢલખીયા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૬: શહેરના કુવાડવા રોડ પર નવાગામ નજીક આવેલા નાકારવાડીમાં જુના મનદુઃખને કારણે મોડી રાતે ગામના જ એક શખ્‍સે ટોળકી રચી એક પરિવારના ઘરમાં ઘુસી આતંક મચાવ્‍યો હતો અને ઘરમાં, વાહનમાં તોડફોડ કરી હતી. અહિ યુવાનના માથામાં સોડા બાટલી ફટકારી તેના પિતાને ધોકા ફટકારી પગ ભાંગી નાંખ્‍યા હતાં. આડેધડ બોટલોના ઘા થતાં હોઇ પડોશમાં રહેતાં યુવાન આ રીતે માથાકુટ નહિ કરવા અને બીજાને લાગી જશે તેમ સમજાવતાં તેને પણ ધોકાવાળી કરી તેના પણ બંને પગ ભાંગી નખાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ નાકરાવાડી ગામમાં રહેતો અને ઇમિટેશનની મજૂરી કરતો રાહુલ ઉર્ફ કડવો ભાવસીંગભાઇ દંતેસરીયા (ઉ.વ.૨૫) રાતે સાડા બારેક વાગ્‍યે પત્‍નિ કાજલ સાથે રૂમમાં સુતો હતો અને બીજા રૂમમાં તેના માતા સવિતાબેન અને પિતા ભાવસીંગભાઇ શામજીભાઇ દંતેસરીયા (ઉ.વ.૫૦) સુતા હતાં ત્‍યારે નજીકના શુકલપીપળીયા ગામનો સંજય ચતુરભાઇ સોલંકી, બેચર કોળી અને ચાર અજાણ્‍યા ટોળકી રચીને આવ્‍યા હતાં અને ઘરના દરવાજા પાસે જોર જોરથી દેકારો કરતાં રાહુલે જાગીને દરવાજો ખોલતાં જ સંજય ધારીયા સાથે, બેચર પાઇપ સાથે અને અજાણ્‍યા શખ્‍સો ધોકા-સોડા બોટલો સાથે જોવા મળ્‍યા હતાં.

રાહુલ કંઇ સમજે એ પહેલા જ તેના પર કાચની બોટલ ફટકારી દેતાં માથામાં ઇજા થઇ હતી. તે ડરી જતાં દરવાજો બંધ કરી દીધો હતો અને દેકારો મચાવતાં બીજા રૂમમાં સુતેલા તેના મોટા બાપુનો દિકરો નવઘણ, કિશોરભાઇ સહિતના આવી ગયા હતાં. એ દરમિયાન તેના પિતા ભાવસીંગભાઇ પણ જાગી ગયા હતાં. જેથી આ બધાએ તેમના પર હુમલો કર્યો હતો. એ પછી સંજય સહિતનાએ ઘરમાં ઘુસી જઇ તોડફોડ કરી હતી. તેમજ તેના પિતાને ધોકાવાળી કરતાં બંને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. રાહુલ ઉર્ફ કડવાએ કહ્યું હતું કે આઠેક મહિના પહેલા ભાદરવી અગીયારસના દિવસે શુકલ પીપળીયા ગામમાં સંજય સોલંકીને મારા પિતા સાથે ઝઘડો થયો હતો. એ પછી બંને વચ્‍ચે મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી સંજયએ ટોળકી રચી ધારીયા, પાઇપ, સોડા બોટલો, ધોકા સાથે અમારા ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.

બીજી તરફ ભાવસીંગભાઇના પડોશી પ્રકાશભાઇ રાજુભાઇ વઢલખીયા (ઉ.વ.૩૯) નામના યુવાન પ્રકાશભાઇ રાજુભાઇ વઢલખીયા (ઉ.વ.૩૯) પણ પોતાના પર અજાણ્‍યા ત્રણ શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. તેને પણ બંને હાથ અને જમણા પગમાં ફ્રેકચર થયાનું નિદાન તબિબોએ કર્યુ હતું. તેની ફરિયાદ પરથી અજાણ્‍યા ત્રણ શખ્‍સો સામે ગુનો નોંધાયો હતો. પ્રકાશભાઇ કડીયા કામની મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે રાતે અમારા ઘર પાસે ધીરૂ શામજી દંતેસરીયા, અજય ઝીંઝુવાડીયા ભાગતા ભાગતાં મારી ઓરડી પાછળ સંતાઇ ગયા હોઇ ત્રણ જણા  પાછળ આવ્‍યા હતાં. દેકારો થતાં હું જાગીને બહાર આવતાં આ શખ્‍સોએ ‘તું ભાવસીંગભાઇનો ભાઇ છો ને?' તેમ કી ગાળો દીધી હતી. મેં તેને હું ભાવસીંગભાઇનો ભાઇ નથી તેમ કહેવા છતાં મારા પર લાકડઓથી હુમલો કરી આડેધડ ઘા ફટકાર્યા હતાં. દેકારો સાંભળી મારા પત્‍નિ જાગીને બહાર આવતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં કુવાડવાના એએસઆઇ કે. એચ. ચાવડાએ હોસ્‍પિટલે પહોંચી રાહુલ ઉર્ફ કડવો અને પ્રકાશભાઇ વઢલખીયાની ફરિયાદ પરથી બે ગુના દાખલ કર્યા હતાં. (૧૪.૭)

(1:43 PM IST)