News of Friday, 21st February 2025
વૈશાલીનગરમાં ૧૯ વર્ષના હિતેષ મેરનો ગળાફાંસો ખાઇ આપઘાત
કોલેજ પુરી કર્યા બાદ કામની શોધમાં હતોઃ રૂમમાં ઓઢણી બાંધી દેહ લટકાવી દીધોઃ કારણ અકળઃ યુવાન દિકરાના પગલાથી પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: આત્મહત્યાની વધુ એક ઘટનામાં એક યુવાને ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું. મહિલા કોલેજની પાછળના ભાગે વૈશાલીનગર-૧૦માં રહેતાં હિતેષ રણછોડભાઇ મીર (ઉ.વ.૧૯) નામના યુવાને સાંજે રૂમમાં એકલો હતો ત્યારે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. મિહીરસિંહ બારડે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હિતેષ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેણે કોલેજ સુધીનો અભ્યાસ પુરો કયો હતો અને નોકરી ધંધાની શોધમાં હતો. તેના પિતા મંડપ સર્વિસમાં કામ કરે છે. સાંજે અકળ કારણોસર હિતેષે આ પગલુ ભરી લીધુ હતું. યુવાન અને આશાસ્પદ દિકરાના મૃત્યુથી મીર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી.
(3:29 PM IST)










