<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્‍સા કાપી ચોરી કરતી રિક્ષાગેંગનો પર્દાફાશ

એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે સંજયને પકડયોઃ બે સાગ્રીત ભરા અને ઢેબાની શોધખોળઃ ચાર ગુના આચર્યાની કબુલાત આપી

રાજકોટ તા. ૧૭: શહેરમાં વધુ એક વખત રિક્ષાગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબી ઝોન-૨ ટીમે ટોળકીના એક શખ્‍સને પકડી લેતાં બીજા બે જણાના નામ ખુલ્‍યા છે. રોકડ, રિક્ષા સહિત ૧,૧૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ ત્રિપુટીએ ચાર જેટલા ગુના આચર્યાનું ખુલ્‍યું છે.

શહેર વિસ્‍તારમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરી તથા રીક્ષામાં પેસેન્‍જરના ખિસ્‍સામાંથી ચોરીના વધુ બનાવો બનતા હોઇ ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા તથા ડીસીપી જગદીશ બાંગરવાની સૂચના મુજબ એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે શીતલપાર્ક એરપોર્ટ દિવાલ પાસેથી એક શખ્‍સ સંજય મગનભાઇ બાંભણીયા (રહે. આજીડેમ પાસે માંડા ડુંગરના ઢાળ પાસે ભીમનગર ચોક ખોડીયાર પાનની બાજુમાં રાજકોટ)ને પકડી લીધો હતો. આ શખ્‍સે બીજા બે સાગરીત સાથે મળી મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરીઓ કરી હોવાનું કબૂલતા બીજા બે શખ્‍સ ભુરો શામજીભાઇ સિંધવ (રહે. આજીડેમ પાસે માંડા ડુંગરના ઢાળ પાસે ભીમનગર ચોક ખોડીયાર પાનની બાજુમાં) તથા  ઢેબો સરાનીયા (રહે. આજીડેમ પાસે માંડા ડુંગરના ઢાળ પાસે ભીમનગર ચોક ખોડીયાર પાનની બાજુમાં)ના  નામ ખુલતા શોધખોળ થઈ રહી છે. આ ત્રિપુટીએ આશરે એકાદ મહિના રૈયાચોકડી આગળથી પેસેન્‍જરને બેસાડી પેસેન્‍જરના ખિસ્‍સામાંથી રોકડા રૂ.૯,૦૦૦ની ચોરી, પચ્‍ચીસેક દિવસ પહેલા ગ્રીનલેન્‍ડ ચોકડીથી પેસેન્‍જરને બેસાડી મોરબી જકાતનાકા સુધીમાં પેસેન્‍જરના ખિસ્‍સામાંથી રોકડા રૂ.૫,૫૦૦ની, આશરે વીસેક દિવસ પહેલા માધાપર ચોકડીથી પેસેન્‍જરને બેસાડી શેઠનગર સુધીમાં પેસેન્‍જરના ખિસ્‍સામાંથી રોકડા રૂ.૩,૦૦૦ તથા પાકીટની ચોરી તેમજ અલગ અલગ જગ્‍યાએથી પેસેન્‍જરોના ખિસ્‍સામાંથી પાકીટ તથા રોકડા રૂપીયાની ચોરી કરેલાની કબુલાત આપી હતી.

 સંજય અને ભૂરો અગાઉ પણ ગુનાઓમાં સંડોવાઈ ચુકયા હતાં. સંજય, ભુરો અને ઢેબો રીક્ષામાં બેસી નીકળી જેમાથી બે સાગરીત પાછળની સીટ પર બેસતા અને એક રીક્ષા ચલાવતો બાદ અલગ અલગ ચોકડી પાસે જઇ એકાદ પેસેન્‍જરને રીક્ષામાં બેસાડી ચાલુ રીક્ષાએ પાછળ બેસેલ એક શખ્‍સ ઉલ્‍ટી થતી હોવાનુ જણાવી ધક્કામુકી કરી બીજો શખ્‍સ પેસેન્‍જરના ખિસ્‍સામાંથી પાકીટ તથા રોકડા રૂપીયાની ચોરી કરી લેતો હતો. પછી મુસાફરને આ ભાઇને દવાખાને લઇ જવા છે તેમ કહી અધવચ્‍ચે ઉતારી મુકતાં હતાં.

આ કામગીરી પીએસઆઈ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધિયા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. શબ્‍બીરભાઇ મલેક તથા કોન્‍સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ કરી હતી.

(3:53 PM IST)