<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

પત્રિકા વિવાદમાં રા.લો.સંઘને સંડોવવાની વાત ગપગોળોઃ નરેન્‍દ્રસિંહ

ચેરમેન પદે મારી નિમણુંક જીલ્લા પ્રભારીની નિમણુંના ૧૪ દિવસ પહેલા થઈ હતી :જીલ્લા પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયાની નિમણુંક પણ હું રીપીટ થયા બાદ ૨૩માં દિવસે થઈ,તી

રાજકોટ તા.ર૯: ભાજપમાં હાલમાં નવા પત્રિકાકાંડનો સીલસીલો ચાલી રહ્યો છે ત્‍યારે ‘‘નક્કલને અક્કલ''ન હોઈ તેમ ગઈકાલે રાજકોટ જીલ્લા પ્રભારી દવે વિરુદ્ધ પ્રસિદ્ધ કરાયેલા નનામાં પત્રમાં પણ હળાહળ ખોટી વિગતોની ભરમાર લખાય છે. પત્રના પ્રારંભે જ એવો પાયાવિહોણો આક્ષેપ કરાયો છે કે જીલ્લા પ્રભારી તરીકેની નિમણુંક બાદ સૌ-થમ ધવલ દવેએ સાત આંકડાનો વહીવટ કરી રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની નિમણુંક કરી હતી અને તેમાં જીલ્લા પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયાએ મદદ કરી હતી. પત્રમાં રહેલ આ વાતને નરેન્‍દ્રસિંહ જાડેજાએ એકજ ઝાટકે ખોટી સાબિત કરી પુરાવા સાથે પત્રકારોને એવી વિગતો વર્ણવી હતી કે રા.લો.સંઘમાં મારી નિમણુંક વખતે ધવલભાઈ દવે જીલ્લા પ્રભારી તથા અલ્‍પેશભાઈ ઢોલરીયા પ્રમુખ તરીકે નિમણુંક જ પામ્‍યા ન હતા જેથી પત્રમાં રા.લો.સંઘ અંગેની વિગતો સદંતર પાયાવિહોણી સાબિત થઈ છે. આજે ૧૧ વાગ્‍યે એક પત્રકાર પરિષદમાં વિવાદિત પત્રિકા અંગે રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાએ ચુંટણી અધિકારી અને નાયબ કલેકટરનો તા.૦૨-૦૫-૨૦૨૩નો પત્ર કે જેમાં નરેન્‍દ્રસિંહ જાડેજાને ચેરમેન તરીકે ફરીથી ચૂંટાયેલા જાહેર કરતો પત્ર રજુ કર્યો હતો ઉપરાંત નરેન્‍દ્રસિંહ જાડેજા ચેરમેન બન્‍યા બાદ ૧૪ દિવસ પછી પ્રદેશ ભાજપે રાજ્‍યના ૪૧ શહેર - જીલ્લા પ્રભારીની નિમણુંક કરી તે પત્ર પણ રજુ કરી જણાવ્‍યું હતું કે મારી નિમણુંક સમયે શ્રી દવે રાજકોટ જીલ્લાના પ્રભારી પદે જ ન હતા તેથી પત્રિકામાં કરાયેલ આક્ષેપ સદંતર ખોટા છે.

 પત્રકારો સાથેની વાતચીતમાં રા.લો.સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે રાજ્‍યના પૂર્વ કેબીનેટ મંત્રી સ્‍વ.વલ્લભભાઈ પટેલ, સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડિયા, રા.લો. ના પૂર્વ પ્રમુખ સ્‍વ.વાલજીભાઈ કલોલા અને રા.લો.સંઘના પૂર્વ જનરલ મેનેજર સ્‍વ. વી.ડી.પટેલ (ભાલારા)ના પ્રમાણિક પ્રયાસો અને અથાગ જહેમતથી રા.લો.સંઘ ખેડૂતો માટેની સદ્ધર સહકારી સંસ્‍થા વિરાટ વટવળક્ષ અને ખેડૂતોની સાથી બની છે ત્‍યારે આ સંસ્‍થાને વિવાદમાં ઢસડવાનું કળત્‍ય અત્‍યંત નિંદનીય છે. નરેન્‍દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્‍યું હતું કે ચેરમેન તરીકે હું રીપીટ થયો ત્‍યારે જીલ્લા પ્રભારી તરીકે મહેન્‍દ્રસિંહ સરવૈયા અને જીલ્લા પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરીયા હતા, મહામંત્રી તરીકે નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષભાઈ ચાંગેલા હતા. બે બુનિયાદ અને પાયાવિહોણા આક્ષેપો અંગે પત્રિકા પ્રસિદ્ધ કરનારાઓ વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલા લેશો કે કેમ? તેવા પત્રકારોના પ્રશ્નોના જવાબમાં નરેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે હું ‘વિવાદ'નો નહિ ‘વિશ્વાસ'નો  માણસ છું. કર્મફળદાતા શનિદેવના સિદ્ધાંતમાં માનું છું. ખેડૂતોની સંસ્‍થાને કારણ વગર વિવાદમાં ઢસડનારાને ભગવાન માફ કરે તેવી પ્રાર્થના.

(3:56 PM IST)