News of Thursday, 23rd January 2025
મઝદુર સંઘ સંલગ્ન પશ્ચિમરેલ્વે કર્મચારી પરિષદને આખરે યુનિયનની માન્યતા
ગુપ્ત મતદાન પધ્ધતિમાં ૨૪% મતો મેળવી તૃતિય સ્થાન જમાવ્યુ : કિરણભાઇ ઓઝા

રાજકોટ તા. ૨૩ : ભારતીય મઝદૂર સંઘનું ઇન્ડસ્ટ્રિયલ એકમ ભારતીય રેલવે મઝદૂર સંઘ સંલગ્ન પશ્ચિમરેલવે કર્મચારી પરિષદને તાજેતરમાં રેલવેમાં યોજાયેલ યુનિયનની માન્યતા માટેની ચુંટણીમાં લગભગ ૨૪ ટકા મતો મેળવીને લાંબા સંઘર્ષ બાદ માન્યતા મળેલ છે.
પશ્ચિમરેલવે કર્મચારી પરિષદ છેલ્લા ૪૫ વર્ષથી રાજકોટ ડિવિઝન ઉપરાંત ભાવનગર,અમદાવાદ, વડોદરા,રતલામ, તથા મુંબઈ વગેરે ખાતે માન્યતા ન હોવા છતાં પણ હંમેશા રેલવેના કર્મચારીઓના પ્રશ્નોને અસરકારક રીતે વાચા આપતી રહી હતી.
તાજેતરમાં યોજાયેલ યુનિયનની માન્યતા માટેની ગુપ્ત મતદાન પધ્ધતિની ચુંટણીમાં પશ્ચિમરેલવેના ૬ ડિવિઝન પર રાજકોટ ડિવિઝન પર પશ્ચિમરેલવે કર્મચારી પરિષદે લગભગ ૨૮% મતો મેળવીને ત્રીજું સ્થાન મેળવેલ હોવાનું કિરણભાઇ ઓઝાએ એક યાદીમાં જણાવ્યુ છે.
ભારતીય મઝદૂર સંઘ સંલગ્ન ભારતીય રેલવે મઝદૂર સંઘ સંલગ્ન યુનિયનોને ભારતીય રેલવેએ પશ્ચિમરેલવે સિવાય બીજા ૪ ઝોન ઉપર પણ પ્રથમવાર માન્યતા મેળવેલ છે.
આ માન્યતા મળતા રેલવે બોર્ડ,ન્યુ દિલ્હીના પત્ર દ્વારા ભારતીય રેલવે મઝદૂર સંઘને દિલ્હીમાં યુનિયન ઓફિસ, પત્ર વ્યવહાર, મિટિંગ તથા અન્ય લાભો વેસ્ટર્ન રેલના બધા ડિવિઝનમાં યુનિયન બોર્ડ, પત્ર વ્યવહાર, સકર્યુલર કોપી, અનોપચારીક મિટિંગ તથા રેલવેની કચેરીઓ સામે ધરણાં, દેખાવો, રેલી વગેરેની પણ મંજૂરી આપેલ છે.
આ ચુંટણી દરમિયાન સહયોગી બનનાર હસુભાઈ દવે તથા રાજકોટ બી. એમ. એસ. અગ્રણીઓનો પણ યાદીના અંતમાં કિરણભાઇ ઓઝાએ આભાર વ્યકત કરેલ છે.
(3:57 PM IST)










