News of Friday, 17th January 2025
વેલનાથપરાના રેલ્વે ફાટક પાસે કોર્પોરેશને ઝૂપડા હટાવતા સંખ્યાબંધ કુટુંબો બેઘરઃ નાના બાળકો-વૃધ્ધો ઠંડીમાં ખુલ્લામાં રહે છે
કલેકટરને સતત ત્રીજી વખત રજૂઆતઃ કલેકટરે ખાત્રી આપી છતાં કોઇ ડે. કલેકટરે મામલતદારે કોઇ વ્યવસ્થા કરી નથી... : મતદાર યાદીમાં નામ નથીઃ રાશન મળતું નથીઃ જો ૭ દિવસમાં યોગ્ય નહિં કરાય તો કલેકટર કચેરીમાં ધામા નાખવાની ચેતવણી

રાજકોટ તા. ૧૭: વેલનાથપરા પાસેના રેલ્વે ફાટક બ્રીજ નીચે આવેલ ઝુપડપટ્ટીવાસીઓએ કલેકટર કચેરી સતત ત્રીજી વખત દોડી આવી આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, અમો લેખીત રજુઆત કરનાર ખુબ જ ગરીબ અને છુટક મજુરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા લોકો છીએ. અમારી પાસે અમારા ઓળખ અંગેના કોઇ આધાર પુરાવાઓ પણ નથી તેથી અમો મતદાર યાદીમાં પણ અમારૂં નામ નોંધાવી શકેલ નથી. અને જેના કારણે ભારત સરકાર દ્વારા ગરીબ વર્ગને અપાતું રાશન મેળવવા રાશનકાર્ડ પણ ધરાવતા નથી. આવા કોઇ આધાર પુરાવા ન હોવાને કારણે બેન્કમાં ખાતું પણ ધરાવતા નથી અને બેન્કમાં બચત જમા કરાવવા માટેની કોઇ બચત રકમ પણ નથી, છેલ્લાં ઘણા વર્ષોથી રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ વેલનાથપરા પાસે રેલ્વે ફાટકના બ્રીજની નીચે નાના ઝુપડા બાંધી વગર લાઇટે નાના બાળકો તથા ઘરનીસ્ત્રી દીકરીઓ સાથે રહીએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા કોઇપણ જાણ કર્યા વિના અમો રહેતા હતા તે ઝુપડપટ્ટી હટાવી રસ્તો ખુલ્લો કરેલ છે. અને આ રસ્તો ખુલ્લો કરવા અમો સહમત છીએ પરંતુ શીયાળાની આ કડકડતી ઠંડીમાં અમોના ઝુપડાઓ હટાવવાના કારણે અમો ખુલ્લી જગ્યામાં અમારા નાના નાના બાળકો સાથે જીવન આવેદન દ્વારા અમારી રજુઆત કરેલ. ત્યારબાદ આપના દ્વારા રાશનની વ્યવસ્થા માટે રેશનકાર્ડની અરજીઓ સ્વીકારેલ, અમોને રહેવા માટેની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપવામાં આવેલ પરંતુ આજે ર૭ દિવસ જેવો સમય પસાર થઇ ગયેલ હોવા છતાં આપના દ્વારા આપવામાં આવેલ આશ્વાસન મુજબ મામલતદાર કે ડેપ્યુટી કલેકટર દ્વારા રહેવા માટેની કોઇ જગ્યા કે વ્યવસ્થા થયેલ નથી.અમો આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે, દિવસ-૩ માં અમોને મોરબી રોડ ઉપર શહેરની નજીક સરકારી જગ્યામાં અમારા ખર્ચે ઝુપડા બાંધી શકીએ તેવી જગ્યા આપવી, ત્યારબાદ સરકારી યોજના મુજબ લાભ આપવા આપને વિનંતી કરીએ છીએ. જે જગ્યાએ હાલ અમો ખુલ્લામાં પાથરણા, પાથરી રહીએ છીએ ત્યાં જમવા માટેની કોઇ વ્યવસ્થા કરી શકીએ તેમ નથી રાત્રે ઠંડીના રહી શકીએ તેમ નથી તેના કારણે બુજુર્ગ તથા નાના બાળકોનું જીવ જોખમમાં છે અને છેલ્લાં ર૭ દિવસથી ખુલ્લી જગ્યામાં રહેવાના કારણે વૃધ્ધ તથા નાના બાળકો બીમાર પણ પડી ગયેલ છે. આપના દ્વારા તાત્કાલીક ધોરણે અમોના ઝુપડા બાંધવાની જગ્યા તથા રાશન આપવામાં નહીં આવે તો અમો ગાંધી ચીંધ્યા માર્ગે આપની કચેરીમાં નાછુટકે વસવાટ કરવો પડશે તેથી રજુઆત ધ્યાને લઇ યોગ્ય કરવા આપને નમ્ર અરજ છે.
(3:25 PM IST)










