તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 15th January 2025
ભગતસિંહજી ગાર્ડન પાસે ઠાકરધણી હોટેલ ખાતે બખેડોઃ મારામારીનો વિડીયો વાયરલઃ પોલીસે ૧૫ને પકડયા
બગીચામાં ફોટા પાડતી વખતે બાખડી પડેલા નેપાળી શખ્સો હોટેલ સુધી ધસી આવતાં બહાર કાઢતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૪: ભગતસિંહજી ગાર્ડન સામે ઠાકરધણી હોટેલ ખાતે નેપાળી શખ્સો અને હોટેલ સંચાલકો વચ્ચે ધબાધબી બોલી જતાં વિડીયો વાયરલ થયો હતો. પોલીસે સુલેહશાંતિ ભંગ બદલ બંને પક્ષના મળી ૧૫ જણા સામે કાર્યવાહી કરી અટકાયત કરી હતી.
આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ. યશપાલસિંહ દિલીપસિંહ ઝણકાટની ફરિયાદ પરથી રૈયાધાર રાણીમા રૂડીમા ચોક બાપા સિતારામ ચોકમાં રહેતાં રણજીત મંગાભાઇ જોગરાણા, નાગજી મંગાભાઇ જોગરાણા, કિશન રેવાભાઇ બાંભવા, ભરત રેવાભાઇ બાંભવા તથા યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન નજીક ઠાકરધણી હોટલ પાસે ક્વાર્ટરમાં રહેતાં નેપાળી શખ્સો પંકજ લક્ષમણભાઇ દામા, જીતુ સોમાભાઇ દામા, સંજુ રામસિંગભાઇ પરિહાર તથા ભગતસિંહજી ગાર્ડન પાસે ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતાં ડેનીસ ભરતભાઇ દેસાણી, નિશાંત મનોજભાઇ ઠાકુર, ચક્ર હરિશભાઇ સાઉદ, લોકેન્દ્ર હરિશભાઇ સાઉદ, તેજ જગનભાઇ સાઉદ, મનોજ ગોરખભાઇ ઠાકુર, બીરજુ કેવલભાઇ સાઉદ અને અનુપ કુલદીપભાઇ સાઉદ મળી ૧૫ શખ્સો સામે જાહેરમાં સુલેહશાંતિનો ભંગ કરવા બદલ બખેડાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
કોન્સ. યશપાલસિંહે જણાવ્યું હતું કે હું તથા ટીઆરબી ચિરાગ પીઠવા પીસીઆરમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે આકાશવાણી ચોક ભગતસિંહજી ગાર્ડન સામે ઠાકરધણી હોટેલ પાસે ઝઘડો ચાલુ છે એવો કોલ મળતાં તુરંત ત્યાં પહોંચી તપાસ કરતાં ઠાકરધણી હોટેલમાં કેટલાક શખ્સો ઝઘડો કરતાં હોઇ તમામને અટકાવી સુલેહશાંતિનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી.
પીએસઆઇ ડી. આર. રત્નુએ તમામની અટકાયત કરી હતી. નેપાળી શખ્સો બગીચામાં મોબાઇલથી ફોટો પાડવા બાબતે અંદરો અંદર બાખડી પડયા બાદ માથાકુટ કરતાં કરતાં ઠાકરધણી હોટેલ સુધી આવી જતાં હોટેલ સંચાલકોએ દૂર જઇને ઝઘડો કરવાનું કહેતાં તેની સાથે માથાકુટ ચાલુ કરી હતી. બાદમાં સામ-સામે મારામારી પર ઉતરી આવ્યા હતાં. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.
(3:16 PM IST)










