તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 7th December 2024
જંત્રીના અસહય ભાવ વધારાના વિરોધમાં રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા કલેકટરને આવેદન અપાયું
છેલ્લા ૮ વર્ષમાં જંત્રીમાં ૧૦ ગણો વધારોઃ સરકારને પુનઃવિચારણા કરવા અપીલ

રાજકોટ તા. ૭: ગુજરાત સરકાર દ્વારા જંત્રી દરમાં અસહય વધારો ઝીંકતા બિલ્ડરો અને રેવન્યુ વકીલોમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે, જેમાં આજે રાજકોટના પ્રમુખ રમેશભાઈ કથીરિયા વિજયભાઈ તોગડીયા તથા એડવોકેટ દિલીપભાઈ પટેલ અશ્વિન રામાણી સહિતના રેવન્યુ વકીલો તે જંત્રીદરના ડબલ વધારાના વિરોધમાં જિલ્લા કલેકટરને વિસ્તળત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રેવન્યુ બાર એસોસિએશન દ્વારા જણાવાયા મુજબ, રાજ્ય સરકાર દ્વારા સૂચવાયેલા નવા જંત્રી દરમાં અનેક જગ્યાએ વિરોધાભાસ જોવા મળ્યો છે. ઘણી જગ્યાએ જમીનના ભાવો ઓછા હોવા છતાં સરકાર દ્વારા ખૂબ જ મોટી જંત્રી લાદવામાં આવી છે અને જ્યાં જમીનના ભાવો આસમાને છે, ત્યાં બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જંત્રીના ભાવ ઓછા સુચવાયા છે. આ વિસંગતતા હોય રાજકોટના રેવન્યુ વકીલો ઉપરાંત રાજકોટ બાર એસોસિએશનના વકીલો દ્વારા સૂચિત જંત્રીના વિરોધમાં આવેદનપત્ર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા આઠ વર્ષના ટૂંકા ગાળામાં જંત્રીના ભાવમાં દસ ગણો વધારો થયો છે, જે અસહ્ય છે, મોંઘવારી પણ હાલ ચરમશીમાએ છે, ત્યારે સામાન્ય પ્રજા ઉપરાંત બિલ્ડરો, ખેતીની ઉપજ લેતા ખેડૂતો, એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ અને મિલકતો ખરીદવા માંગતા લોકોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે સરકારે જંત્રી ઘટાડવી જોઈએ.
આ ઉપરાંત જમીનના ભાવો જુદા જુદા વિસ્તારોમાં ઓછા વત્તા હોવાના કારણોથી ભારે વિસંગતતા સર્જાય છે ત્યારે જંત્રીના ભાવ વધારાનો અમલ શરૂ કરતાં પહેલાં પુનઃવિચારણા કરવાનું સરકારને આવેદન પત્રમાં જણાવાયું છે.
આજે રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સુપ્રત કરવાના યોજાયેલા કાર્યક્રમ અગાઉ મોટી સંખ્યામાં વકીલો કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા. જેમાં રેવન્યુ એસોના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, વિજય તોગડીયા સહિતના હોદ્દેદારો ઉપરાંત અશ્વિન રામાણી દિલીપભાઈ પટેલ, પરેશ મારુ, સુમિત વોરા, ગિરિરાજસિંહ જાડેજા, પંકજ દોંગા, કેતન મંડ, પરેશ પાદરીયા પ્રગતિ માકડીયા, તુષાર દવે, રવી વાઘેલા, કિશન વાલવા, સંજય ડાંગર, દક્ષાબેન ઉપાધ્યાય સહિતના વકીલો પણ જોડાયા હતા.
(4:00 PM IST)










