તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 21st November 2024
પગરખાના શો રૂમમાં ૩૧ વર્ષના મેનેજરનું હૃદય બેસી જતાં જીવ ગયોઃ હાર્ટએટેકથી કુલ ત્રણ મૃત્યુ
રૈયાધારનો અવિનાશ વાઘેલા બીગ બાઝાર પાછળ ચાલુ નોકરીએ ઢળી પડયોઃ વિનાયકનગરનો શાંતિભાઇ ગોરાસવા અને ગાંધીગ્રામના ભાવેશભાઇ સોઢા ઘરે બેભાન થયા બાદ હોસ્પિટલમાં મોત

રાજકોટ તા. ૨૧: હૃદય બંધ પડી જવાની ઘટનાઓ યથાવત રહી છે. વધુ ત્રણ બનાવોમાં ૩૦, ૩૧ વર્ષના બે યુવાન અને ૪૭ વર્ષના આધેડના હાર્ટએટેકથી મૃત્યુ થયા છે. જેમાં રૈયાધારમાં રહેતો એકત્રીસ વર્ષનો યુવાન બીગ બાઝાર પાછળ કર્ણાવતી પગરખાના શોરૂમમાં મેનેજર તરીકે નોકરી પર હોઇ ઉભા ઉભા એકાએક ઢળી પડયા બાદ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. મવડી પ્લોટના ત્રીસ વર્ષના યુવાનનું વહેલી સવારે ઘરે બેભાન થઇ ગયા બાદ અને ગાંધીગ્રામના સુડતાલીસ વર્ષના આધેડનું સાંજે ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ રૈયાધારમાં રહેતો અવિનાશભાઇ કાંતિલાલ વાઘેલા (ઉ.વ.૩૧) બીગ બાઝાર પાછળ એપી પાર્કમાં થોડા સમય પહેલા જ શરૂ થયેલા કર્ણાવતી પગરખા નામના શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતો હોઇ સાંજે પાંચેક વાગ્યે તે ત્યાં હતો ત્યારે ઉભા ઉભા ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર અવિનાશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્રી છે જેણે પિતાનું છત્ર ગુમાવી દીધુ છે. અંતિમવિધી માટે મૃતદેહને મુળ વતન નગરપીપળીયા ખાતે લઇ જવાયો હતો.
બીજા બનાવમાં મવડી પ્લોટ વિનાયકનગર-૯માં રહેતો શાંતિભાઇ ભીમાભાઇ ગોરાસવા (ઉ.વ.૩૦) નામનો યુવાન સવારે ચારેક વાગ્યે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ગાડીના શો રૂમમાં નોકરી કરતો હતો. ત્રણ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો. તેના લગ્ન થયા નહોતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ ગોવિંદનગર-૫માં રહેતાં ભાવેશભાઇ ગોવિંદભાઇ સોઢા (ઉ.વ.૪૭) સાંજે ઘરે ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે પાંચ ભાઇમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
ચોથા બનાવમાં ગાંધીગ્રામ સ્ટર્લિંગ પાછળ શાષાીનગર-૩માં રહેતાં ધીરજલાલ માવજીભાઇ પરમાર (ઉ.વ.૫૩)ને કેન્સરની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. તે કડીયા કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. ચારેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી.
(2:05 PM IST)










