<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

કાળી ચૌદશે સ્‍મશાનમાં જન જાગૃતિના કાર્યક્રમો બંધ રાખવા વિજ્ઞાન જાથાએ જાહેર કર્યો નિર્ણય

વીજ કચેરીની કથા બાદ ખોટા વાદ વિવાદ વકરે નહીં તે માટે

રાજકોટ તા. ૨૯ : વિજ્ઞાન જાથા દ્વારા દર વર્ષે કાળી ચૌદશે સ્‍મશાનમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ વખતે રાજકોટના સ્‍મશાનમાં  આવા કોઇ કાર્યક્રમો નહીં યોજવાની જાહેરાત વિજ્ઞાન જાથાએ કરી છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યુ છે કે હાલમાં રાજકોટ નજીક પારડી વીજ કચેરીમાં કામકાજના સમયે સત્‍યનારાયણની કથાનું આયોજન અટકાવતા હકીકત જાણવા છતા સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજના ટ્રસ્‍ટીએ વિવાદ ઉભો કર્યો છે. જેના કારણે વાદ વિવાદ અને શાંતિ ડહોળાય નહી તે માટે વિજ્ઞાન જાથાએ કાળી ચૌદશના તમામ કાર્યક્રમો પડતા મુકી બંધ રાખવા નિર્ણય લીધો છે. તહેવારમાં લોકોમાં અસમંજસ ઉભી ન થાય તેવુ જાથા ઇચ્‍છે છે.

જયંતભાઇ પંડયાએ જણાવ્‍યુ છે કે છેલ્લા ૩૩ વર્ષમાં ૪ વખત મારા ઉપર હુમલા થયા છે. જે માત્ર અમુક બ્રહ્મસમાજના આગેવાનો પ્રેરીત હુમલા હતા. વિરોધ કરનારાઓને બધા ઓળખે જ છે. જાથાના કાર્યકરો હંમેશા સ્‍વાર્થ વગર જનજાગૃતિ માટે કામ કરે છે. લોકો પણ જાથાના કાર્યક્રમોને સન્‍માનથી જોવે છે. જેથી આ વખતે તા. ૩૦ મીના કાળી ચૌદશના તમામ જનજાગૃતિ, કુરિવાજો, ગેરમાન્‍યતા દુર કરવાના કાર્યક્રમો બંધ રાખવા વિજ્ઞાન જાથાએ નિર્ણય જાહેર કરેલ હોવાનું અંતમાં જયંતભાઇ પંડયાએ જણાવ્‍યુ છે.

(12:26 PM IST)