News of Tuesday, 22nd October 2024
આયુષ્યમાનનો લાભ લેનાર દર્દી હોસ્પીટલ અંગે મનપામાં કરી શકશે ફરીયાદ
હોસ્પીટલ દર્દીને દાખલ ન કરે, ચાર્જ લે તો દર ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે આરોગ્ય અધિકારી અરજદારને સાંભળશે રાજય સરકાર દ્વારા મે મહિનામાં પરિપત્ર જાહેર થયા બાદ હજુ સુધી મનપા તંત્ર દ્વારા આ અંગે ડીકલેર કરાયું નહિઃ અનેક તર્કવિતર્કો

રાજકોટ, તા., ૨૨: કોઈ હોસ્પિટલ આયુષ્માન કાર્ડના દર્દીને દાખલ ન કરે તો મનપામાં ફરિયાદ કરવા સરકારનો આદેશ
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત, કોર્પોરેશનને પરિપત્ર મે મહિનામાં પાઠવવામાં આવ્યો છે.
સરકાર દ્વારા મધ્યમ અને ગરીબ પરિવારોને મેડીકલ સહાય મળી રહે તે માટે આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ નિયત કરેલ હોસ્પિટલો પૈકી અમુક હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ન અપાતી હોવાનું અથવા અમુક સારવારનો ચાર્જ પણ લેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠતા સરકારે તાત્કાલીક ધોરણે આ મુદ્દાને ગંભીરતાથી લઈ લોકોને સમસ્યા વિના આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તે માટે હવે કોઈ પણ હોસ્પિટલ આયુષ્માન કાર્ડના દર્દીને દાખલ ન કરે તો મહાનગરપાલિકામાં ફરિયાદ કરી શકે તેવો નિયમ અમલમાં મુકી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા મુખ્ય જિલ્લા પંચાયત અને કોર્પોરેશનને પરિપત્ર પાઠવી ડે. કમિશનરના સુપરવિઝન હેઠળ આ પ્રકારના બનાવની તપાસ કરવાના આદેશ જારી કર્યા છે. મધ્યમ અને ગરીબ પરિવારોને દવાખાનું આવે ત્યારે અભ તુટી પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. ગંભીર બિમારીઓની સારવારમાં પરિવારોની કમર તુટી જાય છે.
સરકારે તબક્કાવાર આયુષ્માન કાર્ડ તેમજ પીએમજેવાય યોજના અમલમાં મુકી છે. જેના થકી રૂ. ૫ થી ૧૦ લાખ સુધીની સારવાર વિનામુલ્યે સરકારે નિયત કરેલ હોસ્પિટલોમાં થઈ શકે છે. પરંતુ મોટાબીલ બનાવી દર્દીઓના ખીસ્સા હળવી કરતી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડના દર્દીઓને સારી સારવાર મળતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેવી જ રીતે અમુક હોસ્પિટલો મનમાની કરી આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને દાખલ ન કરતા હોવાનું તેમજ દાખલ કર્યા બાદ સારવારના બીલમાં અમુક ટ્રિટમેન્ટનો ચાર્જ લેતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામેલ પરંતુ આ પ્રકારની ફરિયાદો કોને કરવી તેવી ચર્ચા અનેક વખત જાગી હતી.
રાજ્ય સરકારે નિર્ણય લઈ હવે શહેરી વિસ્તારમાં આવતી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં ન આવે અથવા દર્દી પાસેથી આયુષ્માન કાર્ડ હોવા છતાં ચાર્જ વસુલવામાં આવે તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાની સુવિધા દર ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે શરૂ કરવામાં આવી છે. કોઈ પણ દર્દી ફરિયાદ કરે ત્યારે તેની તપાસ ડે. કમિશનરના સુપરવિઝન હેઠળ કરી તુરંત નિર્ણય લેવામાં આવે તેવા સરકારે આદેશ કર્યા છે.
(3:59 PM IST)










