News of Wednesday, 14th August 2024
તેરા તુઝકો અર્પણ : રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગૂમ-ચોરી થયેલા ૩૧.૦ લાખના મોબાઇલ ફોન મુળ માલીકને પરત કર્યા
બીલ વગરના મોબાઇલ ન ખરીદવા રૂરલ પોલીસ દ્વારા અપીલ

રાજકોટ, તા. ૧૪ : જયપાલસિંહ રાઠોડ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્ય, રાજકોટની સુચના મુજબ ડી.વાય.એસ.પી. એસ.એસ. રઘુવંશી (મુખ્ય મથક) રાજકોટ માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. શ્રી એચ. એચ. વાજા તથા કોમ્પ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગુમ/ ચોરી થયેલ મોબાઇલ ફોન શોકવા અંગે ખુબ જ ખંતપૂર્વક મહેનત કરી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઉપરાંત ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લામાંથી તેમજ અન્ય રાજયો (મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડીશા, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, હરીયાણા તથા રાજસ્થાન)માંથી પણ અરજદારોના ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન ટ્રેસ કરી ચાલુ વર્ષમાં છેલ્લા ત્રણ માસ દરમ્યાન કુલ મોબાઇલ ફોન ૧૮૩ નંગ જેની અંદાજીત કુલ કિંમત રૂા. ૧,૮૭,૪૭૦ રૂપિયાના શોધી આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓ તથા ડી.વાય.એસ.પી. એસ.એસ. રઘુવંશી મુખ્ય મથક દ્વારા અરજદારને પરત કરવામાં આવેલ છે. ચાલુ વર્ષ ર૦ર૪ માં ૩૪૬ મોબાઇલ ફોન કિ. પ૮.૩૮ લાખના મુળ માલીકને પરત કરાયા છે. આ કાર્યવાહી પીએસઆઇ એચ.એચ.વાજા, એએસઆઇ ચંદ્રેશ ખોખર, પીસી ભાવેશભાઇ મકવાણા એલસીબી શાખા, પીસી પ્રવિણભાઇ ટીંબલ, પીસી મયુરભાઇ ઝાપડીયા દ્વારા કરાઇ હતી. જીલ્લા પોલીસ દ્વારા આવી અસામાજીક પ્રવૃત્તિ અટકે તે માટે કોઇપણ નાગરીકે બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બિનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમા કરાવી સારા નાગરિક તરીકેની ફરજ નિભાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. તસ્વીરમાં અરજદારો સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
(4:43 PM IST)










