News of Wednesday, 17th July 2024
શાંતુભાઇ રૂપારેલીયાના પુત્ર મનિષભાઇની શનિવારે નવમી પુણ્યતિથિએ જૂનાગઢમાં રકતદાન કેમ્પ
રક્તની ૭૦૦ જેટલી બોટલ એકત્ર થશે, રાજકોટથી જૂનાગઢ જવા માટે વાહન વ્યવસ્થા, રકતદાતાઓને ભેટ અપાશે, નામ નોંધાવી દેવું

રાજકોટઃ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટના શાંતુભાઇ રૂપારેલીયાના પુત્ર મનિષભાઇની નવમી પુણ્યતિથિ નિમિતે જૂનાગઢ મુકામે ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડ (ટાટા મોટર્સ શો રૂમ) દોલતપરા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતુભાઇ રૂપારેલીયા પરિવાર સ્વ.મનીષભાઇની પુણ્યતિથિએ ‘માનવતા મહાયજ્ઞ'નું આયોજન કરવાનો પુણ્ય સંકલ્પ કર્યો છે. આ વર્ષે નવમી પુણ્યતિથિ નિમિતે શાંતુભાઇ રૂપારેલીયા તથા મનિષભાઇ રૂપારેલીયા તથા ભગવતી ઓટો લિન્ક પરિવારે ૬૦૦ થી ૭૦૦ યુનિટ રકત એકત્રિત કરવાનો સંકલ્પ કરેલ છે. જેનું આયોજન ભગવતી ઓટો લિન્ક પ્રાઇવેટ લિમિટેડ (ટાટા મોટર્સ શો રૂમ) દોલતપરા જૂનાગઢ ખાતે શનિવાર તા. ૨૦ ના સવારે ૯:૩૦ વાગ્યાથી સાંજ સુધી કરેલ છે. સાથે મહાપ્રસાદ પણ રાખેલ છે. સેવાયજ્ઞનું રકત થેલેસીમીયાગ્રસ્ત દર્દી તથા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ગ્રીન ક્રોસ બ્લડબેંક તથા રાજકોટ રેડક્રોસ બ્લડબેંકને આપશે. રજિસ્ટ્રેશન માટે મો. ૭૮૭૮૨ ૦૧૨૦૧, ૯૯૯૮૯ ૯૨૬૯૦ નો સંપર્ક કરવો. રાજકોટથી જૂનાગઢ જવા માટે વાહનની વ્યવસ્થા કરી આપશે. રકતદાતાઓને ગિફટ તથા સર્ટિફિકેટ આપશે. આ મહાયજ્ઞમાં વધુને વધુ લોકો રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
(3:26 PM IST)










