News of Friday, 12th July 2024
નરેશભાઇ પટેલનો જન્મદિવસ બન્યો સેવાનો મહાયજ્ઞઃ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૫૦૦થી વધુ રક્તદાતાઓએ કર્યું રકતદાન
છેલ્લા ૩૦ વર્ષથી મારા જન્મદિવસે યોજાતા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર તમામનો ખૂબ ખૂબ આભારઃ નરેશભાઇ પટેલ

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ણેતા અને જેમની અનેક વખત રક્તતુલા થઈ છે તેવા શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો. ગઇ કાલે પોતાના ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં ૧૫૦૦થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે યોજાતા આ સેવાના મહાયજ્ઞમાં આહૂતિ આપી હતી.
શ્રી નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી હજારો લોકોએ રક્તદાન કર્યું છે ત્યારે આજના દિવસે આ તમામ રક્તદાતાઓ, આયોજકો અને મારા મિત્રમંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
મેગા બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે સંગઠન અને ટ્રસ્ટીમંડળની મીટીંગમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખશ્રી તુષારભાઈ લુણાગરીયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના માળખા અંગે માહિતી આપી હતી. જ્યારે શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી ચિરાગભાઈ શિયાણીએ ખોડલધામની વિવિધ સમિતિઓના માળખાની અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રવક્તાશ્રી હસમુખભાઈ લુણાગરીયાએ શ્રી ખોડલધામના વિવિધ ઝોનમાં કાર્યરત સંગઠનના માળખાની માહિતી આપી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વધુ પારદર્શકતાથી કાર્ય થાય અને મજબૂત સંગઠન થકી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચીને સમાજનું કામ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટીંગમાં ઉપસ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી શ્રીમતિ અનારબેન પટેલે પણ પોતાના સંબોધનમાં આગામી દિવસોમાં સંગઠનના માધ્યમથી વધુ ને વધુ સમાજલક્ષી કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મીટીંગમાં શ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને કન્વીનરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં રાજકોટ નજીક બની રહેલી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કામમાં લાગી જશે અને ઝડપથી આ હોસ્પિટલ સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામે તે દિશામાં પ્રયત્નશીલ રહેશે.
(2:30 PM IST)










