તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 12th July 2024
વિજકાપનો મેસેજ આવતાં વોશીંગ મશીનમાં વહેલા કપડા ધોવા જાગેલા દિપ્તીબેનનું લપસી પડતાં મોત પેડક રોડ રત્નદિપ સોસાયટીમાં વહેલી સવારે બનાવઃ પરિવારમાં ગમગીની
ત્રણ પુત્રએ માતા ગુમાવ્યાઃ ફળીયામાં અવાજ થતાં દેરાણીએ જાગીને જોતાં ભાભી લપસી પડયા હતાં: હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૨: શહેરના પેડક રોડ પર રત્નદિપ સોસાયટીમાં વહેલી સવારે ફળીયામાં પાણી ઢોળાયેલુ હોઇ લપસી પડતાં આડત્રીસ વર્ષના મહિલાને માથામાં ઇજા થતાં મૃત્યુ થયું હતું. સવારે વિજકાપ રહેશે તેવો મેસેજ મોબાઇલમાં આવ્યો હોઇ વિજ પુરવઠો બંધ થાય એ પહેલા વોશીંગ મશીનમાં કપડા ધોઇ લેવા માટે તેઓ જાગ્યા હતાં અને વોશીંગ મશીન તરફ જતી વખતે લપસી પડતાં આ દુર્ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ રત્નદિપ સોસાયટી-૪માં રહેતાં દિપ્તીબેન જયેશભાઇ પરમાર (ઉ.વ.૩૮) સવારે પાંચેક વાગ્યે ફળીયામાં લપસી પડતાં માથામાં ઇજા થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્દ્રભાઇ હુદડે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
દિપ્તીબેનના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હતૉ. સંતાનમાં ત્રણ પુત્ર છે. તેમના પતિ આયુર્વેદિક દવાનો વેપાર કરે છે. તેમજ ઘર સાથે અનાજ દળવાની ઘંટી પણ છે. પરિવારજનોના કહેવા મુજબ આજે વિસ્તારમાં સવારે વિજકાપ રહેશે તેવો મેસેજ મળ્યો હોઇ જેથી દિપ્તીબેન દરરોજ કરતાં આજે સવારે વહેલા જાગી ગયા હતાં. લાઇટ જતી રહે એ પહેલા વોશીંગ મશીનમાં કપડા ધોવા માટે તે ફળીયામાં જતાં હતાં ત્યારે લપસી પડયા હતાં. અવાજ થતાં દેરાણી અલ્પાબેને દોટ મુકતાં ભાભીને પડેલા અને બેભાન જોતાં બીજા સ્વજનોને જગાડયા હતાં. સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં પણ તબિબે મૃત જાહેર કર્યા હતાં.
મૃત્યુ પામનાર દિપ્તીબેનના માતવર ગઢીયાનગર-૧માં રહે છે. માતાનું નામ સંગીતાબેન અને પિતાનું નામ માનસીંગભાઇ મકવાણા છે. તેણી બે બહેન અને બે ભાઇમાં નાના હતાં. પરિવારજનોમાં આ બનાવથી કલ્પાંત સર્જાયો હતો.
(2:27 PM IST)










