<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

દશાશ્રીમાળી વાડીમાં ગેરકાયદે - હેતુફેર વગરના બાંધકામો - દુકાનો સીલ થશે

અભિષેક અને મંગલમ્‌ હોલમાં દુકાનો બનાવીને ભાડે આપી દેવાઇ : તંત્ર દ્વારા તપાસ

 

કાર્યવાહી હાથ ધરાશે : શહેરના જુના એવા કોઠારીયા નાકા વિસ્‍તારમાં આવેલ દશાશ્રીમાળી વાડીમાં અભિષેક અને મંગલમ નામના હોલની જગ્‍યાએ ગેરકાયદે અને હેતુફેર વગર દુકાનો, બાંધકામ થઇ જતા મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા આ બાંધકામો સીલ કરવામાં આવશે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫ : વોર્ડ નં.૭માં કોઠારીયા નાકા વિસ્‍તારમાં આવેલી દશા શ્રીમાળી જ્ઞાતિની વાડીના લગ્નહોલમાં હેતુફેર કર્યા વગર જીમ અને દુકાનો શરૂ કરી દેવાયાની ફરિયાદો મનપા સુધી પહોંચતા ટીમો દોડાવવામાં આવી હતી. જેમાં જીમ અને દુકાનો જોવા મળ્‍યાનો રિપોર્ટ થયો છે અને એક - બે દિ'માં તેને સીલની કાર્યવાહી કરવામાં આવનારનું સતાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું.

દશાશ્રીમાળી વાડીમાં અભિષેક અને મંગલમ નામના હોલ હતા જેનો  જ્ઞાતિજનો તેમજ અન્‍ય જ્ઞાતિજનો ઉપયોગ કરતા પણ કોઈ કારણસર ત્‍યાં હોલ બંધ કરીને હેતુફેર કરાવ્‍યા વગર જીમ અને માર્જિન મૂક્‍યા વગર દુકાનો બનાવી નાખવામા આવી હતી. જે અંગે હાલ ગેરકાયદે બાંધકામો અને સીલ મારવા માટે તપાસ ચાલી રહી છે ત્‍યારે ઉક્‍ત બાબતો પણ ધ્‍યાને આવતા મનપા દ્વારા સેન્‍ટ્રલ ઝોન ટી.પી.ના ઈજનેરને તપાસ માટે મોકલાયા હતા. આ હોલનું હેતુફેર કર્યા વગર જીમ ચાલુ કરી દેવાયાનો રિપોર્ટ તંત્ર પાસે આવ્‍યો છે અને તેને સીલ મારવા એક-બે દિ'માં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું.

આ ટ્રસ્‍ટના હોલમાં દુકાનો બનાવીને ભાડે આપી દેવામાં આવી છે. આ અંગે ચેરીટી કમિશનરની મંજુર લેવામાં આવી છે કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્‍યા છે.

(3:43 PM IST)